ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 સપ્ટેમ્બર, 2021
સોમવાર
મુંબઈમાં રવિવારે કોરોનાના નોંધાયેલા કેસ છેલ્લા 52 દિવસ બાદ સૌથી વધુ રહ્યા છે. 15 જુલાઈ, 2021ના 528 કેસ નોંધાયા બાદ રવિવારે 495 કેસ નોંધાયા હતા. મુંબઈમાં ધીમે-ધીમે કેસ વધી રહ્યા છે. એથી ત્રીજી લહેરના આગમનની ચેતવણીની ઘંટી તો નથીને એવા સવાલ થઈ રહ્યા છે. એવામાં મુંબઈ મનપાના આંકડા પરથી મુંબઈમાં કોરોનાની બીજી લહેર વધુ જોખમી રહી હોવાનું જણાઈ આવ્યું છે. કોરોનાની પહેલી લહેર કરતાં બીજી લહેરમાં કોરોનાના કેસ બે ગણા વધુ નોંધાયા હતા. જોકે રાહતની બાબત એ છે કે પહેલી લહેરની સરખામણીમાં બીજી લહેરમાં મૃત્યુઆંકમાં ઘટાડો થયો છે. કોરોનાની બીજી લહેરમાં, કેસમાં થયેલા વધારાને જોતાં સંભવિત ત્રીજી લહેર વધુ ઘાતકી ના બની રહે એની ચિંતા નિષ્ણાતોને સતાવી રહી છે.
મુંબઈમાં પહેલી લહેર દરમિયાન ફેબ્રુઆરી સુધીમાં કુલ 2,87,899 કેસ નોંધાયા હતા, તો 11,084 મૃત્યુ થયાં હતાં. જોકે બીજી લહેરમાં કોરોનાના દર્દી બમણી સંખ્યામાં નોંધાયા હતા. ઑગસ્ટ સુધીમાં આ સંખ્યા એટલે કે ફક્ત સાત મહિનામાં 4,25,739 પર પહોંચી ગઈ હતી. જોકે રાહતજનક બાબત એ છે કે પહેલી લહેરની સરખામણીમાં બીજી લહેરમાં મૃત્યુઆંક ફકત 4,827 રહ્યો હતો. એટલે કે મૃત્યુમાં લગભગ ત્રણ ગણો ઘટાડો નોંધાયો હતો.
પાલિકાના આરોગ્ય ખાતાના કહેવા મુજબ પહેલી લહેરની સરખામણીમાં બીજી લહેરમાં ટેસ્ટિંગનું પ્રમાણ પણ વધારવામાં આવ્યું હતું. પહેલી લહેર દરમિયાન કુલ 23,76,994 જણનું ટેસ્ટિંગ થયું હતું, પરંતુ ફેબ્રુઆરીથી ઑગસ્ટ 2021 સુધીમાં મુંબઈમાં 70,00,551 જણનાં ટેસ્ટિંગ થયાં હતાં. એટલે કે ટેસ્ટિંગનું પ્રમાણ વધવાની સાથે જ દર્દીની સંખ્યા વધી ગઈ હતી.
આ દરમિયાન 15 દિવસમાં કેસમાં બમણો વધારો થયો છે. 200 પરથી 400ની ઉપર કેસ નોંધાવા માંડ્યા છે. આગામી દિવસમાં ગણેશોત્સવ દરમિયાન લોકોની ભીડ અને તહેવારની ઉજવણીના પ્રસંગે કોરોનાના કેસમાં હજી વધારો થવાની શક્યતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.