ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 નવેમ્બર, 2021
ગુરુવાર
કાંદિવલીનો ચારકોપ વિસ્તાર સેક્ટર 1થી 9 સુધીનો છે. આ વિસ્તારને મહાવીર નગર ખાતેની પાણીની ટાંકીમાંથી પાણી આપવામાં આવે છે. 2 વર્ષ પહેલા સેક્ટર-8ની પાઇપ લાઇન બદલાઈ હતી. સેક્ટર-7માં પાઇપલાઇન બદલવાની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવી છે. શિવસેના કોર્પોરેટર અને શિક્ષણ સમિતિના અધ્યક્ષ સંધ્યા દોશીએ તેમના વિસ્તારમાં પાણીની સમસ્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
એક મીડિયા સંસ્થાના અહેવાલ મુજબ ચારકોપ સેકટર 07માં પાઇપલાઇન બદલવા માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત પસાર કરવામાં આવી છે. આથી બાંધકામ વિભાગ દ્વારા આ કામો તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવશે તેવું પાલિકાના એડિશનલ કમિશનર પી. વેલારાસુ દ્વારા કહેવાયું છે.
મુંબઈના નગરસેવકોની સંખ્યામાં આટલો વધારો; ડિસેમ્બર સુધી વૉર્ડ અનામત મોકૂફ; જાણો વિગત
ચારકોપના શિવસેના કોર્પોરેટર સંધ્યા દોશીએ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પાણી મુદ્દે ચર્ચામાં ભાગ લેતાં ફરિયાદ કરી હતી કે મારા વિભાગમાં છેલ્લા 15-20 દિવસથી પાણી પુરવઠો જાળવવામાં આવતો નથી. અધિકારીઓ માત્ર મેસેજ વાંચે છે, પરંતુ તેના પર ક્યારેય પ્રતિક્રિયા આપતા નથી. મારા વિભાગમાં મ્હાડા વસાહત છે તેની પાઈપલાઈન 15 થી 30 વર્ષ જૂની છે. હું વર્ષ 2007થી તેને બદલવાનો પ્રયાસ કરી રહી છું. પાઈપલાઈનમાં છીદ્રો હોવાથી પથ્થરના ટુકડા ફસાઈ જાય છે. જેથી પાણી પુરવઠો યોગ્ય રીતે થતો નથી. તેના કાયમી ઉકેલ તરીકે પાઈપલાઈન 10-10 ફૂટ કે 50 ફૂટ તોડીને ત્યાં મોટી પાઈપ લગાવવી જોઈએ.
પી. વેલારાસુએ વધુમાં જણાવ્યું હતું કે ચારકોપ અને ગોરાઈ વિભાગોમાં પાઇપલાઇનને અંદરથી સિમેન્ટથી પ્લાસ્ટર કરાઈ છે. તેથી તેને બદલવાની હાલમાં કોઈ જરૂર નથી. જો કે, જરૂરી હોય ત્યાં નિરીક્ષણ કરીને બદલવામાં આવશે.