ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
27 ફેબ્રુઆરી 2021
કહેવાય છે કે એક જમાનાના પ્રેમીઓ જ્યારે છૂટા પડે છે ત્યારે વેરી બની જાય છે. કંઈક આવો જ ઘાટ મુંબઈ મહાનગર પાલિકામાં અત્યારે જોવા મળી રહ્યો છે. અહીં શિવસેના દ્વારા ભારતીય જનતા પાર્ટીના નગરસેવકોની નિધિ કાપી નાખવામાં આવી છે. શિવસેનાના કુલ ૯૭ નગર સેવકો છે અને તેઓને ૨૩૩ કરોડ રૂપિયા ખર્ચ કરવા માટે આપવામાં આવ્યા છે. જ્યારે કે ભાજપના 83 નગરસેવકો છે જે કુલ મુંબઈનું ૩૩ ટકા પ્રતિનિધિત્વ કરે છે તેમને માત્ર ૬૦ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે કોંગ્રેસ પાસે માત્ર ૨૯ નગરસેવકો છે પણ તેઓને ખર્ચ માટે ૯૦ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. બીજી તરફ સમાજવાદી પાર્ટી પાસે માત્ર છ નગર સેવકો છે અને તેને 21 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
આ પ્રમાણે નગરસેવકો ને ચૂંટણીના વર્ષમાં ખર્ચ કરવા માટે સારા એવા પૈસા આપવામાં આવ્યા છે પરંતુ તેમાંથી ભાજપના નગરસેવકોને બાકાત રાખવામાં આવ્યા છે.
આ સંદર્ભે વધુ જણાવતાં ભાજપના પક્ષ નેતા વિનોદ મિશ્રાએ ન્યુઝ કંટીન્યૂઝ ને જણાવ્યું કે અમે આ અન્યાયને સાંખી લેવાના નથી. આટલું જ નહીં અમારા કોર ગૃપની ટીમમાં આ સંદર્ભે ચર્ચા થવાની છે. શિવસેના મુંબઈવાસી ના ટેક્સના પૈસા વાપરી રહી છે પોતાનું પ્રાઇવેટ ફંડ નહીં અને આ મુંબઈવાસીઓના કરના પૈસા નું અપમાન છે. અમે આ સંદર્ભે કાયદાકીય પગલાં લેશું.