ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 સપ્ટેમ્બર 2020
મહારાષ્ટ્રમાં શિવસેના ફરી વિવાદોમાં આવી છે. પહેલા અભિનેત્રી કંગના રનૌત બાદ હવે મુંબઈમાં ભૂતપૂર્વ નેવીના અધિકારી મદન શર્માને માર મારવાનો આરોપ લાગ્યો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ જનતાનો રોષ ભભૂકી ઉઠયો છે. સમતા નગર પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે અત્યાર સુધીમાં છ લોકોની ધરપકડ કરી છે.
શિવસેનાની ગુંડાગર્દી નો ભોગ બનેલા ભૂતપૂર્વ નેવી ઓફિસરે જણાવ્યું હતું કે '8 થી 10 વ્યક્તિઓએ અચાનક આવી મારા પર હુમલો કરી બેરહમીથી મારવાનું શરૂ કરી દીધું હતું. જેના કારણે મારી આંખમાં ભયંકર ઈજા થઈ છે. આ મારામારી પહેલા મને ધમકીભર્યો ફોન કોલ પણ આવ્યો હતો.' શિવસેનાના કાર્યકર્તાઓ એ વાતથી નારાજ હતા કે નેવીના ભૂતપૂર્વ અધિકારીએ કથિત રીતે મુંબઈના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે નું કાર્ટૂન શેર કર્યું હતું. જે વાત શિવસૈનિકો ને પસંદ પડી ન હતી.
આ ઘટનાને લઇને રાજકારણ ગરમાઈ ગયું છે. બીજેપીના પ્રવક્તા સંબિત પાત્રાએ ટ્વિટ કર્યું કે 'વાહ! શિવસેના , એક સેનાપતિપર હુમલો કરીને તમે છત્રપતિ શિવાજી મહારાજનું સન્માન વધાર્યું છે, તમે સાચા શેર છો.!! આ પહેલા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ ટ્વીટ કર્યું હતું કે 'નેવીના ભૂતપૂર્વ અધિકારી ને શિવસેનાના ગુંડાઓએ બેરહેમીથી માર માર્યો છે, એ લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.' કથિત મારપીટ નો વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર શિવસેનાને ટ્રોલ કરવામાં આવી રહી છે.. પરંતુ હજુ સુધી શિવસેનાએ આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપી નથી…
