ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઑગસ્ટ, 2021
ગુરુવાર
શિવસેનાના ભાયખલાના વિધાનસભ્ય યામિની જાધવનું પદ જોખમમાં આવી ગયું છે. 2019ની વિધાનસભાની ચૂંટણીમાં યામિનીએ પોતાની સંપત્તિ બાબતે ખોટી માહિતી આપી હોવાનું ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટનું કહેવું છે. તેમની એફિડેવિટની તપાસ કરતાં આ બાબત પ્રકાશમાં આવી છે.
રાજ્યમાં મહાવિકાસ આઘાડી સરકાર સત્તામાં છે, ત્યારથી શિવસેનાને એક પછી એક ફટકા પડી રહ્યા છે. પહેલાં એક પ્રધાને રાજીનામું આપવું પડ્યું, હવે શિવસેનાના વધુ એક વિધાનસભ્યનું પદ જોખમમાં આવી ગયું છે.
સેમી એસી લોકલમાં મુંબઈગરાનો પ્રવાસ એક સપનું જ બની રહેશે, જાણો કેમ?
2019માં વિધાનસભાની ચૂંટણીમાં પોતાની એફિડેવિટમાં યામિની જાધવે ખોટી માહિતી આપી હોવાનો ઠપકો આપીને ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટે તેમનું વિધાનસભ્ય પદ રદ કરવાની માગણી ચૂંટણી કમિશનરને કરી છે. યામિની જાધવે પોતાના એક કરોડ રૂપિયા એક કંપની પાસેથી લોન તરીકે લીધા હોવાનું બતાવ્યું છે, તપાસ કરતાં આ કંપની બનાવટી હોવાનું બહાર આવ્યું છે. આ રકમ તેમની પોતાની જ હોવાનું ઇન્કમ ટૅક્સનું કહેવું છે. આ બાબતે ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટે ચૂંટણી પંચને અહેવાલ આપ્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે યામિની જાધવે એફિડેવિટમાં પોતાની પાસે 7.5 કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનું લખ્યું છે, જેમાં 2.74 કરોડ રૂપિયાની મૂવેબલ માલમતા છે, તો પતિ યશવંત જાધવના નામ પર 4.50 કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનું તેમણે કહ્યું છે. એમાં 1.72 કરોડ રૂપિયાની મૂવેબલ માલમતા હોવાનું તેમણે કહ્યું છે.