ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 જૂન 2021
બુધવાર
મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે એથી એને રોકવા પાલિકાની શાળામાં ભણેલા વિદ્યાર્થીઓને પાલિકામાં નોકરી આપવામાં પ્રાધાન્ય આપવાની માગણી થઈ હતી. શિવસેનાના નગરસેવક મંગેશ સાટમકરની આ માગણીને પાલિકા પ્રશાસને જોકે ફગાવી દીધી છે.
પાલિકા પ્રશાસનના કહેવા મુજબ એમ કરવાથી અન્ય શાળામાં ભણેલા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ શકે છે તથા ભવિષ્યમાં આ મુદ્દો કોર્ટમાં પણ જઈ શકે છે.
અહીં ઉલ્લેખનીય છે પાલિકા પોતાની શાળાઓ માટે દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે. એટલુ જ નહીં પણ વધુ ને વધુ વિદ્યાર્થી ભણવા આવે એ માટે અનેક પ્રકારની યોજના અલમમાં મૂકે છે. જેમાં સ્કૂલને લગતી 27 વસ્તુઓ વિદ્યાર્થીઓને મફતમાં આપે છે. બસમાં પ્રવાસ કરવા માટે પાસ આપે છે. બાળકોને મધ્યાહ્ન ભોજન પણ આવે છે. અનેક પ્રકારનાં પ્રોત્સાહન ભથ્થાં આપે છે. છતાં લોકો પોતાનાં બાળકોને પાલિકાની શાળામાં મૂકતાં ખચકાય છે. તેમ જ પાલિકાની શાળામાં ભણ્યા બાદ પણ પાલિકાની નોકરીમાં પ્રાધાન્યતા મળતી નથી. એથી પાલિકાની શાળામાં બાળકોને ભણાવવાં શા માટે એવી મૂંઝવણ પણ અનેક વાલીઓને હોય છે.