ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 ઑગસ્ટ,2021
મંગળવાર
મલાડ (પૂર્વ)માં દફતરી રોડ પર બાંધવામાં આવનારા સ્કાયવૉકના વિરોધમાં સ્થાનિક નાગરિકોથી લઈને વેપારીઓ સોમવારે રસ્તા પર ઊતરી આવ્યા હતા. લગભગ 65 કરોડ રૂપિયાને ખર્ચે સ્કાયવૉક બાંધવામાં આવવાનો છે. એની સામે સ્થાનિક રહેવાસીઓની સાથે જ વેપારીઓ પણ વિરોધમાં છે. મુંબઈ મનપાએ સ્કાયવૉક બાંધવાનો નિર્ણય પાછો નહીં ખેંચ્યો તો એના વિરોધમાં કોર્ટના દરવાજા ખટખટાવવાની તૈયારી પણ વેપારી અને રહેવાસીઓએ કરી નાખી છે.
મલાડ (પૂર્વ)માં દફતરી રોડથી હાઈવે પર મેટ્રોને કનેક્ટેડ સ્કાયવૉક બનાવવાની પાલિકાએ યોજના બનાવી છે. એ માટે સ્ટેશનની બહાર આવેલી અનેક દુકાનોને નોટિસ આપવામાં આવી છે. એનાથી વેપારી વર્ગ ટેન્શનમાં આવી ગયો છે, તો સ્ટેશનની બહાર માંડ 25થી 30 ફૂટનો સાંકડો રસ્તો છે, એના પર આ સ્કાયવૉક બાંધવામાં આવવાનો છે, એથી સ્કાયવૉક રસ્તા પર આવેલા બિલ્ડિંગની એકદમ નજીક આવી જશે. એથી રહેવાસીઓની પ્રાઇવસી જોખમાશે એવી નારાજગી રહેવાસીઓએ વ્યક્ત કરી છે.
મલાડ વેપારી ઍસોસિયેશના હોદ્દેદાર જીતુ ખાખરિયાએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે મુંબઈના મોટા ભાગના સ્કાયવૉક નકામા સાબિત થયા છે, ત્યારે આ લોકો રસ્તા પરની ગીચતા ઘટાડવા માટે સ્કાયવૉક બાંધવાનો પ્રસ્તાવ લાવ્યા છે. રસ્તો પહેલાંથી જ સાંકડો છે. એના પર બંને તરફ પાંચ-પાંચ ફૂટ સુધી ફેરિયાઓએ અતિક્રમણ કર્યું છે, ત્યારે સ્કાયવૉક બાંધીને રસ્તો હજી સાંકડો થઈ જશે. રસ્તા પર ટ્રાફિકની સમસ્યા વકરી જશે. મુંબઈમાં અનેક જગ્યાએ સ્કાયવૉક રાહદારીઓ માટે જોખમી સાબિત થયો છે. સ્કાયવૉક પર મોલેસ્ટ્રેશન, ચેન સ્નેચિંગ જેવા બનાવ બન્યા છે. ગરદુલ્લા અને રૂપજીવિનીઓ પણ સ્કાયવૉકને પોતાનો અડ્ડો બનાવી દેવાનો ભય છે. સ્કાયવૉક પર પોલીસ નજર રાખવા હોતી નથી, તો સ્કાયવૉક પર ચાલવાનું કેટલું સુરક્ષિત રહેશે એનો વિચાર જ નથી કરતા.
સ્કાયવૉક બાંધવા પાછળ ખોટા પૈસા ખર્ચવામાં આવી રહ્યા છે એવું જણાવતાં જીતુ ખાખરિયાએ કહ્યું હતું કે, પહેલાંથી કોરોનાને કારણે ધંધો ઠપ્પ છે. માંડ ગાડી પાડે ચઢી છે, ત્યારે આ લોકોએ દુકાનદારોને નોટિસ ફટકારી છે. આટલાં વર્ષોથી અહીં વ્યવસાય કરે છે. હવે સ્કાયવૉક માટે આ વેપારીઓને જગ્યા ખાલી કરવાનું કહેવામાં આવે કે તેમની દુકાન કટિંગમાં જશે એવું કહેવામાં આવે ત્યારે દુકાનદારોની શું હાલત થતી હશે? . રસ્તા પર ગેરકાયદે અડિંગો જમાવી બેસેલા ફેરિયાઓને હટાવાતા નથી, પરંતુ વર્ષોથી ઇમાનદારીથી ટૅક્સ ભરનારા દુકાનદારોને તકલીફ આપવામાં આવી રહી છે. વેપારીઓનો સ્કાયવૉક સામે વિરોધ છે. સ્કાયવૉક બાંધવાનો નિર્ણય પાછો નહીં ખેંચ્યો તો કોર્ટમાં લડી લેવાની તૈયારી પણ રાખી છે.
બાપરે! કોરોનાથી મુંબઈમાં અત્યાર સુધી આટલા શિક્ષકોનાં થયાં મૃત્યુ; જાણો વિગત
સ્થાનિક રહેવાસીઓ પણ સ્કાયવૉકના વિરોધમાં છે. સાંકડા રસ્તા પર બાંધવામાં આવનારા સ્કાયવૉકને કારણે બિલ્ડિંગના રહેવાસીઓની પ્રાઇવસી જોખમાશે. સ્કાયવૉક પર ચાલનારા લોકો ઘરમાં ડોકિયાં કરશે. તો ચોર-ઠગોને પણ સ્કાયવૉકને કારણે ફાયદો થઈ જશે એવો ડર દફતરી રોડના રહેવાસીઓને સતાવી રહ્યો છે.