બોરીવલી (વેસ્ટ)માં ચીકુવાડીના એક બિલ્ડિગમાં કોરોનાના પાંચ કેસ નોંધાતાં ખળભળાટ મચી ગયો છે. મુંબઈ મનપાના નિયમ મુજબ પાંચથી વધુ કેસ એક જ ઇમારતમાં નોંધાતાં પાલિકાએ સોમવારના તાત્કાલિક ધોરણે આ બિલ્ડિંગને સીલ કરી નાખ્યું હતું. બરોબર ગણેશોત્સવના સમયમાં એક જ બિલ્ડિંગમાં કેસ આવતાં પાલિકાની ચિંતામાં પણ વધારો થયો છે.
બોરીવલીમાં પહેલાંથી જ સમગ્ર મુંબઈમાં કોરોનાના કેસ વધુ રહ્યા છે. એમાં પણ ચીકુવાડીમાં સત્યાનગરમાં આવેલા શ્રદ્ધા નિકેતન બિલ્ડિંગમાં પાંચ કેસ નોંધાતાં પૂરા વિસ્તારમાં જ નહીં, પણ બિલ્ડિંગના રહેવાસીઓ પણ ટેન્શનમાં આવી ગયા છે. બરોબર ગણેશોત્સવના સમયમાં જ બિલ્ડિંગમાં પાંચ કોરોનાના કેસ આવતાં સોમવારે મુંબઈ મહાનગરપાલિકાના આર-સેન્ટ્રલ વૉર્ડ દ્વારા આખા બિલ્ડિંગને 14 દિવસ માટે સીલ કરી દેવામાં આવ્યું છે. બિલ્ડિંગમાં અવર-જવર પર પ્રતિબંધ આવી ગયો છે. બિલ્ડિગમાંથી કોઈ બહાર નીકળી શકશે નહીં અને કોઈ અંદર આવી શકશે નહીં.
આર-સેન્ટ્રલ વૉર્ડના અધિકારીના જણાવ્યા મુજબ આ બિલ્ડિંગમાં પાંચ કેસ નોંધાયા છે. જેમાં ત્રીજા માળા પર ત્રણ કેસ આવ્યા છે, તો બીજા માળા પર અલગ અલગ ઘરમાં એક-એક કેસ નોંધાયા છે. એથી નિયમ મુજબ બિલ્ડિંગને સીલ કરવામાં આવ્યું છે. તેમ જ અસરગ્રસ્ત દર્દીના નજીકના સંબંધીઓને હાલ ઘરમાં જ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. પાંચ દિવસ બાદ આવશ્કતા જણાઈ તો તેમના ટેસ્ટ કરવામાં આવશે. આ દરમિયાન ઇમારતના રહેવાસીઓને પણ 14 દિવસ સુધી બિલ્ડિંગની બહાર જવા મળશે નહીં. આવશ્યકતા મુજબની વસ્તુઓ તેમને પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
મુંબઈના માથા પર ત્રીજી લહેરનું સંકટ તોળાઈ રહ્યું છે. તેમાં પણ ગણેશોત્સવ બાદ કોરોનાના દર્દીની સંખ્યા વધવાની શંકા પાલિકા પ્રશાસનને છે. તેવામાં એક જ ઇમારતમાં પાંચથી વધુ કેસ નોંધાતાં પાલિકા પણ સતર્ક થઈ ગઈ છે.
અહીં ઉલ્લેખનીય છે કે બોરીવલી-આર સેન્ટ્રલ વૉર્ડમાં અત્યાર સુધી કોરોનાના કુલ 50,682 કેસ નોંધાયા છે. જેમાં 965નાં મોત થયાં છે. હાલ અહીં 244 ઍક્ટિવ કેસ છે, તો બોરીવલીમાં 26 માળા સીલ કરવામાં આવ્યા છે, તો એક બિલ્ડંગ સીલ છે.