ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑક્ટોબર, 2021
ગુરુવાર
મુંબઈમાં હાઈ-રાઇઝ ઇમારતોમાં આગ લાગતી અટકાવવા માટે હવે ઇમારતોના ફાયર ઑડિટની સાથે ઇલેક્ટ્રિક ઑડિટ પણ કરવામાં આવશે. ઇલેક્ટ્રિક ઑડિટની પરવાનગી માટે રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો છે.
ઍડિશનલ કમિશનર અશ્વિની ભીડેએ BMCની સ્ટૅન્ડિંગ કમિટીમાં ફાયર બાઇકના પ્રસ્તાવ પર ચર્ચા કર્યા બાદ સભ્યોને આ માહિતી આપી હતી.
અશ્વિની ભીડેએ કહ્યું હતું કે મુંબઈનું ફાયર બ્રિગેડ દેશનું અત્યાધુનિક ફાયર બ્રિગેડ છે, પરંતુ મુંબઈની ડેમોગ્રાફી બદલાઈ રહી છે. બહુમાળી ઇમારતો વધી રહી છે. ફાયર સેફ્ટીને લઈને સૌથી મોટી સમસ્યા રિસ્પૉન્સ ટાઇમ છે. મુંબઈની ગીચતાને કારણે ફાયર બ્રિગેડનો ધસારાના સમયે અકસ્માત સ્થળ પર પહોંચવાનો સમય 20થી 30 મિનિટનો છે.
દહિસરની આ યુવતીએ રાજ્યસ્તરે તલવારબાજીમાં બાજી મારી; જાણો તેની સફળતા વિશે
કેન્દ્ર સરકારનાં ધારાધોરણો અનુસાર રિસ્પૉન્સ સમય 6થી 7 મિનિટનો હોવો જોઈએ, પરંતુ અહીંની ડેમોગ્રાફી ધ્યાનમાં રાખીને આ સમય ઘટાડી શકાતો નથી. અશ્વિની ભીડેએ કહ્યું કે અમે રિસ્પૉન્સ ટાઇમ બદલી શકતા નથી, પરંતુ આગને કારણે થતા નુકસાનને રોકવાનો પ્રયત્ન કરીએ છીએ. મુંબઈમાં આગની ઘટનાઓ વધવાનું મુખ્ય કારણ શૉર્ટ સર્કિટ છે, જેને રોકવા માટે ઇલેક્ટ્રિક ઑડિટ કરાવવું જરૂરી બન્યું છે. ઇલેક્ટ્રિક વાયરિંગથી માંડીને અન્ય પ્રકારનાં સાધનો કે જે આગની વધતી ઘટનાઓને રોકવામાં સફળ થશે. આવા ઉપકરણ, સારી ગુણવત્તાનું વાયરિંગ જેવા કે ISI માર્કના માલસામાનનો ઉપયોગ કરવો જરૂરી બન્યો છે. વીજળી અંગેની પૉલિસી બનાવવાની પરવાનગી માટે રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો છે. રાજ્ય સરકારની પરવાનગી મળતાં જ ઇલેક્ટ્રિક પૉલિસી બનાવવામાં આવશે અને સમયાંતરે એનું ઑડિટ કરવામાં આવશે. એથી આગની વધતી જતી ઘટનાઓ પર કાબૂ મેળવી શકાય.