ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,31 ડિસેમ્બર 2021
શુક્રવાર.
ઝડપથી ધનવાન બનવાની આશાએ બે પિતરાઈ ભાઈઓએ દહીસરમાં બેંક લૂટનો પ્લાન બનાવ્યો હોવાની પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. બે માસ્ક પહેરેલા યુવકોએ બુધવારે દહિસર ખાતે સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI) લૂંટી લીધી હતી અને ત્યાં કામ કરતા 25 વર્ષીય હેલ્પરની હત્યા કરી નાખી હતી. બોરીવલી MHB પોલીસે આ કેસે કલાકોમાં જ ઉકેલ્યો હતો અને બંનેની ધરપકડ કરી હતી. જોકે પોલીસ આ કેસ સોલ્વ કરવામાં મુખ્ય ચાવીરૂપ ભૂમિકા પોલીસની સ્નિફર ડોગ જેસ્સી ભજવી હતી. તેને કારણે જ આ કેસ ગણતરીના કલાકોમાં ઉકેલાઈ ગયો હતો.
પોલીસે આ કેસનો ભેદ ઉકેલવા માટે આઠ ટીમો બનાવી હતી અને સીસીટીવી ફૂટેજની મદદથી તેમને શોધવામાં સફળતા મેળવી હતી. દહિસરના રાવલપાડામાં સીસીટીવી ફૂટેજની તપાસ કરતી વખતે પોલીસને ઘટના પછી તરત જ કિસાન ચાલમાં બે શકમંદો જતાં જોવા મળ્યા. પોલીસ સ્નિફર ડોગ જેસીની મદદ લેવાનું નક્કી કર્યું હતું અને તે ગુનેગારોને શોધવામાં ઉપયોગી સાબિત થયો હતો.
હુમલાખોરોમાંથી એક ઘટનાના દિવસે પોતાનું ચંપલ પાછળ છોડી ગયો હતો અને બેલ્જિયન માલિનોઈસ જેસ્સીએ તેને સૂંઘીને શોધી કાઢ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપી, 21 વર્ષીય ધર્મેન્દ્ર યાદવ આ કાવતરાનો માસ્ટરમાઈન્ડ હતો અને તેણે તેના 19 વર્ષના પિતરાઈ ભાઈ વિકાસ યાદવને ઉત્તર પ્રદેશના ભદોહીથી મુંબઈ બોલાવ્યો હતો. 10 દિવસ પહેલા જ તે મુંબઈ આવ્યો હતો. ધર્મેન્દ્રએ બિહારમાંથી 40,000 રૂપિયામાં પિસ્તોલ મંગાવી હતી. વિકાસ આવ્યા પછી તેઓ તેમની યોજના સાથે આગળ વધ્યા હતા.
પૂછપરછ દરમિયાન, આરોપીઓએ ખુલાસો કર્યો હતો કે તેઓએ બહુ સમજી વિચારીને દહિસર પશ્ચિમમાં ગુરુકુલ સોસાયટીમાં આવેલી SBI બેંકને પસંદ કરી હતી. પહેલું કારણ તેઓ જ્યાં રહેતા હતા તેની નજીક જ બેંક હતી. બીજું, સામાન્ય SBI શાખાથી વિપરીત, તે માંડ 8-10 કર્મચારીઓ ધરાવતી નાની શાખા છે. ત્રીજું, તેઓ જાણતા હતા કે તે છેલ્લા ઘણા દિવસોથી અહીં કોઈ સિક્યુરિટી ગાર્ડ નહોતો.
યોજના મુજબ બંને બુધવારે બપોરે 3:27 વાગ્યે બેંકમાં ગયા જ્યારે બેંક એ સમયે સામાન્ય નાગરિકો માટે બંધ હતી. આ સમયે તમામ કર્મચારીઓ કામમાં વ્યસ્ત હતા. તેમને પ્રવેશતા જોઈને બેન્કમાં કોન્ટ્રેક્ટ પર કામ કરતો 25 વર્ષીય સંદેશ ગોમાને તેની ખુરશી પરથી ઉભો થયો. જો કે, તે કંઈ સમજે તે પહેલા ધર્મેન્દ્રએ પિસ્તોલ કાઢી અને તેની છાતીમાં ગોળી મારી દીધી હતી.
શું તમને ખબર છે ચાલુ વર્ષે મુંબઈમાં પ્રોપર્ટીઓનું રેકોર્ડબ્રેક વેચાણ કેમ થયું? આ રિપોર્ટમાં થયો ખુલાસો…
ગોમાને, એક એજન્સીમાં નોકરી કરતો હતો અને બેન્કે તે એજેન્સીમાંથી તેને આઉટસોર્સ કર્યો હતો. તેને છાતીમાં નજીકથી ગોળી વાગતા તે ઘટના સ્થળે જ પડી ગયો હતો. ધર્મેન્દ્રએ પછી તેની બેગ કેશિયર પર ફેંકી દીધી, જ્યારે વિકાસ ડ્રોઅરમાંથી રોકડ કાઢીને બેગમાં મૂકવા પાછળથી કેશિયરના ટેબલ પાસે ગયો હતો આ સમગ્ર ઘટના બેંકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બે મિનિટમાં જ બંને 2.70 લાખની રોકડ લઈને ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ બંને ઘરે પરત ફર્યા પરંતુ તેઓ ભાગી છૂટે તે પહેલા પોલીસે તેમને પકડી લીધા હતા.
મુંબઈમાં જન્મેલો અને ઉછરેલો ધર્મેન્દ્ર શાકભાજી વિક્રેતાનો પુત્ર છે. તે એચએસસી પાસ છે અને કેટરિંગ સર્વિસ સાથે કામ કરી રહ્યો છે. પોલીસે તેની પાસેથી રોકડ રકમ એક હથિયાર અને ત્રણ જીવંત રાઉન્ડ રિકવર કર્યા છે. તેઓને ગુરુવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેણે તેમને સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા.