ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૮ જુલાઈ ૨૦૨૧
ગુરુવાર
ગિરગામ ચોપાટી પર આવેલી પ્રખ્યાત હૉટેલ હવે બંધ થવાના આરે આવીને ઊભી છે. આ હૉટેલ જે મકાનમાં આવી છે, એ મકાનને મ્હાડાએ જોખમી ઘોષિત કર્યું છે. આ પ્રખ્યાત હૉટેલનું નામ છે ક્રિસ્ટલ રેસ્ટોરાં, જે ૧૯૬૬માં શરૂ થઈ હતી. મ્હાડાએ આ મકાનમાં આવેલાં તમામ ઘરોને ખાલી કરવા જણાવ્યું છે. જોકેરહેવાસીઓએ મ્હાડાની આ નોટિસનો જોરદાર વિરોધ કર્યો છે.
અહીં રહેતા ભાડૂતોએ દાવો કર્યો છે કે આ મકાનનું સમારકામ કરાવી શકાય છે, પરંતુ મ્હાડાએ આ ઇમારતને અતિજોખમી જાહેર કરી મકાન ખાલી કરવાનો આદેશ આપ્યો છે. આ મામલે હવે રહેવાસીઓ સિટી સિવિલ કોર્ટમાં પહોંચી ગયા છે અને મ્હાડાની નોટિસ પર સ્ટે માગ્યો છે. હકીકતે મ્હાડાએ આ મકાનને સી૧ કૅટેગરીમાં મૂક્યું છે, જેનો અર્થ છે કે મકાનનું સમારકામ શક્ય નથી. બીજી તરફ ભાડૂતોએ કરાવેલા સ્ટ્રક્ચરલ રિપૉર્ટ મુજબ મકાન C2B કૅટેગરીમાં છે એટલે કે સમારકામ શક્ય છે.
ઉલ્લેખનીય છે કે આ વિવાદ વચ્ચે મ્હાડાએ ગયા અઠવાડિયે ભાડૂતોને આપેલી નોટિસમાં જણાવ્યું છે કે જો તમે આ મકાન ખાલી નહિ કરો અને કોઈ દુર્ઘટના થશે તો એના જવાબદાર માત્ર તમે જ હશો. ભાડૂતોનો મત છે કે મ્હાડાએ આ રિપૉર્ટ્સ પોતાની ટેક્નિકલ કમિટી પાસે મોકલવા જોઈએ.