ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
મેટ્રો લાઇનના કારશેડને આરે કૉલોનીથી કાંજુરમાર્ગમાં ખસેડવાની ભલામણને રાજ્ય સરકારે 23 માર્ચના જ મંજૂરી આપી દીધી હોવાનું મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડ (MMRCL) જણાવ્યું છે. જોકે કાંજુરમાર્ગની જમીનની માલિકીને લઈને કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. હાલ આ મુદ્દો કોર્ટમાં છે. એથી કાંજુરમાર્ગમાં મેટ્રો કારશેડનું બાંધકામ બંધ છે.
તાજેતરમાં ઍક્ટિવિસ્ટ દ્વારા મેટ્રો કારશેડના સ્થળને લઈને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્ર મુખ્ય પ્રધાનની ઑફિસથી અર્બન ડેવલપમેન્ટ ખાતાને મોકલી દેવામાં આવ્ય હતો. ત્યાંથી આ પત્ર MMRCLને મોકલવામાં આવ્યો હતો. MMRCLએ આ પત્રનો જવાબ આપતાં લખ્યું હતું કે ભૂતપૂર્વ મુખ્ય સચિવ સંજયકુમારની આગેવાની હેઠળ રચાયેલી સમિતિની ભલામણથી કારશેડને આરેથી કાંજુરમાર્ગ ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
કાંજુરમાર્ગના 101 એકરના પ્લૉટની માલિકીનો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ મુદ્દો હાલ બૉમ્બે હાઈ કોર્ટમાં છે. કોર્ટે લોકહિતને ધ્યાનમાં રાખીને ઝઘડાનું સમાધાન કરવાનું જણાવ્યું હતું. થોડા સમય પહેલાં જ નિતિ આયોગની મુંબઈ મુલાકાત દરમિયાન મુખ્ય પ્રધાને તેમને કાંજુરમાર્ગના વિવાદનો ઉકેલ લાવવાની રજૂઆત કરી હોવાનું કહેવાય છે.