ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 ઑક્ટોબર, 2021
શુક્રવાર
માનખુર્દ-ઘાટકોપર જૉઇન્ટ રસ્તા પર હંમેશાં ટ્રાફિકની સમસ્યા રહે છે. એના ઉપાય તરીકે પાલિકાએ બે મહિના પહેલાં ફ્લાયઓવર બાંધ્યો હતો. જોકે મહિનાભરમાં જ આ ફ્લાયઓવર પર મોટા પ્રમાણમાં અકસ્માત થવા લાગ્યા. જેથી ટ્રાફિક વિભાગે ટૂ-વ્હીલર વાહનોને ત્યાં જવા પર પ્રતિબંધ મૂક્યો હતો. છતાં ટૂ-વ્હીલર્સ પુલ ઉપર ફૂલ સ્પીડમાં ગાડી ચલાવીને નિયમનું ઉલ્લંઘન કરે છે.
માનખુર્દ-ઘાટકોપર રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા ઓછી કરવા માટે નવા ફ્લાયઓવરનું લોકાર્પણ બે મહિના પહેલાં જ થયું હતું, પરંતુ મહિનાભરમાં જ આ ફ્લાયઓવર પર ૪૦થી વધુ અકસ્માતો થવાથી કેટલાક દિવસ સુધી પુલ સમારકામ માટે બંધ રખાયો હતો. પુલનો રસ્તો સરકણો થઈ જવાથી ત્યાં મોટા પ્રમાણમાં અકસ્માત થતા હતા. તેમાં ટૂ-વ્હીલર વાહનોની સંખ્યા વધારે હતી. પાલિકાએ વાહનોનો વેગ ઓછો કરવા માટે પુલ પર ગતિ અવરોધક પણ બેસાડ્યા હતા.
રસ્તા પરના ખાડાને મુદ્દે રાજકારણ : મનસેએ મુંબઈના ખાડા વેચવા કાઢ્યા; જાણો વિગત
જોકે ફ્લાયઓવર પર ટ્રાફિકની સમસ્યા કેટલાક પ્રમાણમાં હલ થઈ છે. છતાં આ પુલ ઉપરથી ઓછાં વાહનો જતાં હોવાનો ફાયદો લઈને ટૂ-વ્હીલર વાહનચાલકો અવરજવર કરે છે. પરિણામે આજે પણ તેમના અકસ્માત થાય છે. કેટલાક દિવસ પહેલાં એક ટૂ-વ્હીલર ચાલક પુલ પરથી ઘસડાઈને પડી ગયો હતો. ત્યાર બાદ ટ્રાફિક વિભાગે ટૂ-વ્હીલર વાહનો પર પ્રતિબંધ લગાવ્યો છે. એના માટે પુલ પર બન્ને બાજુ બોર્ડ પણ લગાવેલાં છે. તોય ટૂ-વ્હીલર વાહનચાલકો ટ્રાફિક પોલીસની નજર ચૂકીને ફ્લાયઓવર પરથી સરકી જાય છે.
