ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૦ જુલાઈ, ૨૦૨૧
મંગળવાર
મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ત્રણ દિવસ ભારે વરસાદને પગલે લોકોની હાલાકીનો પાર રહ્યો નથી. આજે સતત ત્રીજા દિવસે પણ વસઈના સનસિટી ગેસ રોડ ઉપર ત્રણ ફૂટ જેટલું પાણી ભારયેલું છે. જેને કારણે વાહન-વ્યવહાર ઠપ થયો છે. ઉપરાંત અહીંથી પસાર થતી એક બસ પણ પાણીમાં ફસાઈ ગઈ હતી તેથી રસ્તાનો મોટો ભાગ બ્લોક થઇ ગયો હતો. અગાઉ એક એકસયુવી કાર પણ પાણીમાં બે દિવસ પહેલા અટવાઇ ગઇ હતી. તેને સ્થાનિકો અને અગ્નિશામકોએ બહાર કાઢી હતી.
હકીકતમાં, મહાનગર પાલિકા અને માનિકપુર પોલીસે સલામતીના કારણોસર આ રસ્તો બંધ કરવો જોઈએ, પરંતુ પ્રશાસન આ રસ્તા પ્રત્યે બેદરકાર જણાઈ રહ્યું છે. દરમિયાન આજે વરસાદ અટક્યો હોવા છતાં ગેસ રોડ પર પાણીની સ્થિતિ યથાવત છે. આ પાણીનો નિકાલ થતા હજી આઠ દિવસનો સમય લાગે તેવી સંભાવના છે. નારાજ નાગરિકોએ સવાલ કર્યો છે કે વહીવટી તંત્ર શું અહી અકસ્માત સર્જાવાની રાહ જોય રહ્યું છે કે કેમ?
ઉલ્લેખનીય છે કે વિરાર નાલાસોપારા અને વસઈમાં મધ્યરાત્રિથી વરસાદ અટક્યો છે. આજે સવારે શહેરમાં તમામ કામકાજ અને લોકલ ટ્રેન ફરી સરળતાથી શરૂ થઈ હતી. જોકે, વરસાદના પાણીને લીધે રસ્તા પર ઘણો કચરો અને કાદવ જમા થઇ ગયો છે. વસઈ, વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઇ કર્મચારીઓ સવારથી જ કચરો ઉપાડી રહ્યા છે.