News Continuous Bureau | Mumbai
Bakri Eid Controversy| મહારાષ્ટ્રમાં આગામી બકરીદના તહેવાર પહેલાં રહેણાંક સોસાયટીઓમાં કુર્બાની અને બકરા રાખવા માટેના શેડ બનાવવાની બાબતે મોટો વિવાદ અને તણાવ સર્જાયો છે. થાણે નજીકના મીરા રોડ ની એક પોશ સોસાયટીમાં મધ્યરાત્રિએ થયેલા ભારે હોબાળા અને હિંસક ઘર્ષણ બાદ હવે મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાંથી પણ આવો જ એક સંવેદનશીલ કિસ્સો સામે આવ્યો છે. ગોરેગાંવમાં આવેલી જાણીતી ગોકુલધામ સોસાયટીમાં બકરા માટે શેડ બનાવવામાં આવતા બે સમુદાયો વચ્ચે વિવાદ વકર્યો છે, જેને પગલે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સ્થાનિક પોલીસ સતર્ક બની ગઈ છે.
સેટેલાઇટ ગાર્ડનની આઝાદ નગર બિલ્ડિંગમાં બનાવાયો શેડ
પ્રાપ્ત વિગતો અનુસાર, મુંબઈના ગોરેગાંવ ઈસ્ટ (Goregaon East) માં સ્થિત ગોકુલધામના ‘સેટેલાઇટ ગાર્ડન ફેઝ-૧’ ની આઝાદ નગર ડી-૩ બિલ્ડિંગના કમ્પાઉન્ડ પરિસરમાં એક મોટો શેડ તૈયાર કરવામાં આવ્યો છે. આ શેડમાં બકરીદ પર કુર્બાની આપવા માટે બકરા લાવવાની તૈયારીઓ ચાલી રહી હોવાની માહિતી મળતા જ સ્થાનિક લોકોએ વિરોધ શરૂ કર્યો હતો. આ બાબત સામે આવતા જ ભાજપના સ્થાનિક મહિલા નગરસેવિકા (કોર્પોરેટર) પ્રીતિ સાટમે મુંબઈ મહાનગરપાલિકા (BMC) ના વોર્ડ ઓફિસરને એક સત્તાવાર પત્ર લખીને આ રહેણાંક પરિસરમાં કુર્બાની આપવાની મંજૂરી ન આપવા કડક માંગ કરી છે.
બાજુમાં જ સ્કૂલ અને હિન્દુ ધાર્મિક સ્થળ હોવાથી લાગણી દુભાવાની આશંકા
નગરસેવિકા પ્રીતિ સાટમે પોતાના પત્રમાં મ્યુનિસિપલ નિયમોનો હવાલો આપતા વિરોધનું મુખ્ય કારણ દર્શાવ્યું છે કે, સંબંધિત સોસાયટીની બિલકુલ નજીકમાં એક મોટી સ્કૂલ (શાળા) અને હિન્દુઓનું પવિત્ર ધાર્મિક સ્થળ આવેલું છે. આવા સંજોગોમાં રહેણાંક વિસ્તારની અંદર ખુલ્લામાં કુર્બાની આપવાથી સ્થાનિક લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ શકે છે અને વિસ્તારમાં કોમી તણાવ વધવાની આશંકા છે. આ મામલાની ગંભીરતાને જોતાં ભાજપના નગરસેવિકા પોતાના કાર્યકરો સાથે આઝાદ નગર ડી-૩ બિલ્ડિંગની રૂબરૂ મુલાકાત લઈને આ કાર શેડ અને વ્યવસ્થાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરવાના છે.
ગાયોની ગેરકાયદેસર તસ્કરી અને કતલખાનાઓ સામે દેવેન્દ્ર ફડણવીસ સરકાર કડક
બીજી તરફ, બકરીદના તહેવારને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રની મહાયુતિ સરકાર પણ પશુઓ પર થતા અત્યાચારો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્યના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે કડક ચેતવણી આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં ગોમાતાની ગેરકાયદેસર તસ્કરી કે ગેરકાયદે કતલખાનાઓ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) ના સીધા નિર્દેશ પર પરિવહન વિભાગે સમગ્ર મહારાષ્ટ્રમાં, ખાસ કરીને સરહદી ચેકપોસ્ટ અને પ્રાદેશિક પરિવહન કચેરીઓ (RTO) ને ૨૮ મે સુધી યુદ્ધના ધોરણે ખાસ તપાસ અભિયાન ચલાવવાનો આદેશ આપ્યો છે.
👉 આ સમાચાર વાચો:
ED Raid Kerala CM Pinarayi Vijayan| કેરળના પૂર્વ સીએમ વિજયન અને તેમની પુત્રીના ઘરે ED ના દરોડા, ૧૦ સ્થળો પર સર્ચ ઓપરેશન ચાલુ