News Continuous Bureau | Mumbai
થાણે-બોરીવલી ભૂગર્ભ માર્ગના નિર્માણ માટે માર્ગ મોકળો થઈ ગયો છે, જે સીએમ એકનાથ શિંદેના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૈકી એક છે. બોમ્બે હાઈકોર્ટે એમએમઆરડીએની તરફેણમાં ચુકાદો આપતાં, ટેન્ડર પ્રક્રિયા સામે એલ એન્ડ ટી કંપની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. જેના પરથી સ્પષ્ટ થયું છે કે મેઘા એન્જીનીયરીંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર કંપનીને કોન્ટ્રાકટ આપવાની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થશે અને ભૂગર્ભ રોડનું કામ શરૂ થશે.
થાણેથી બોરીવલીનું અંતર માત્ર 20 મિનિટમાં કાપવા માટે, મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) એ 11.8 કિમી લાંબો થાણે-બોરીવલી અંડરગ્રાઉન્ડ રૂટ બાંધવાનું નક્કી કર્યું છે. આ અંતર્ગત સંજય ગાંધી નેશનલ પાર્કની નીચેથી એક ટનલ બનાવવામાં આવનાર છે.
L&Tએ હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો
MMRDAએ થોડા મહિના પહેલા બે તબક્કામાં કામ માટે ટેન્ડર બહાર પાડ્યા હતા. આ કામ માટે બે કંપનીઓ એલએન્ડટી અને મેઘા એન્જિનિયરિંગે ટેન્ડર ભર્યા હતા. ચકાસણી બાદ L&Tનું ટેન્ડર અયોગ્ય જાહેર કરાયું હતું. જેનો વાંધો ઉઠાવીને L&Tએ હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. હાઈકોર્ટે ગુરુવારે L&Tની અરજીને ફગાવીને MMRDAની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટના નિર્ણયથી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.
આ સમાચાર પણ વાંચો : Go First તમામ ફ્લાઇટ કેન્સલેશનને 12 મે સુધી લંબાવ્યું
ટેન્ડર મંજૂર
હાઇકોર્ટના નિર્ણયથી ટેન્ડર પ્રક્રિયામાં મોટી અડચણ દૂર થઇ છે. હવે આ કામનો કોન્ટ્રાક્ટ મેઘા એન્જીનીયરીંગને આપવાનું નક્કી કરાયું છે. MMRDAના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થશે અને બાંધકામ શરૂ થશે. બંને તબક્કાનું કામ મેઘા એન્જિનિયરિંગને આપવામાં આવશે અને પ્રથમ તબક્કામાં રૂ. 6,178 કરોડ અને બીજા તબક્કામાં રૂ. 5,879 કરોડનો ખર્ચ થશે. ત્રીજા તબક્કામાં ટેકનિકલ કામો થશે અને આ તબક્કા માટે હજુ ઘણો સમય બાકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુરુવારે MMRDAની કાર્યકારી સમિતિની બેઠકમાં ટેન્ડરને મંજૂરી આપવામાં આવી હતી.