News Continuous Bureau | Mumbai
Thane drug bust થાણે ની એન્ટી-નાર્કોટિક્સ સેલ (ANC) એ ચાર કથિત ડ્રગ તસ્કરોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી ૧.૭૧૬ કિલો મેફેડ્રોન (MD) ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે ₹૨.૧૪ કરોડ જેટલી આંકવામાં આવી છે.
પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે આ ડ્રગ્સ મધ્યપ્રદેશના મંદસૌર વિસ્તારમાંથી મુંબઈ-થાણે અને આસપાસના વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવી રહ્યું હતું.
પોલીસની ANC યુનિટને માહિતી મળી હતી કે મધ્યપ્રદેશના કેટલાક તસ્કરો મેફેડ્રોનનો મોટો જથ્થો લઈને મુંબઈના બજારમાં પહોંચવાના છે. આ બાતમીના આધારે, ANC એ એક ટીમ બનાવી અને કોપરી બ્રિજ – થાણે પૂર્વ પાસે ચેકિંગ પોઈન્ટ ગોઠવ્યો.
આવતા વાહનને રોકીને ડ્રાઇવર અને તેમાં બેઠેલા અન્ય ત્રણ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી. ડ્રાઇવરના ગભરાટભર્યા જવાબોને કારણે કારની તલાશી લેવામાં આવી. સીટની નીચેથી કાળી પોલિથિન બેગમાં રાખેલા ક્રિસ્ટલ પાવડરના પેકેટ મળી આવ્યા. ફિલ્ડ ટેસ્ટિંગ કિટથી તપાસ કરતાં તે પાવડર મેફેડ્રોન હોવાનું પુષ્ટિ થઈ. પોલીસે તમામ ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
ઝડપાયેલા ચાર આરોપીઓ માંથી બે આરોપીઓ મંદસૌર, મધ્યપ્રદેશના રહેવાસી છે, જેમણે અનુક્રમે સપ્લાય કોઓર્ડિનેટર અને ડ્રાઇવર/કુરિયર તરીકેની ભૂમિકા ભજવી હતી. ત્રીજો આરોપી ઉજ્જૈન, મધ્યપ્રદેશનો છે, જેણે નેટવર્ક લિંક તરીકે કામ કર્યું હતું, જ્યારે ચોથો આરોપી મધ્યપ્રદેશનો રહેવાસી છે, જે પેકિંગ અને ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલો હતો.
પોલીસ હવે ડ્રગ્સ સપ્લાય ચેઇનના માસ્ટરમાઇન્ડને શોધવા માટે ફોન કોલ રેકોર્ડ્સ અને વોટ્સએપ ચેટ્સની તપાસ કરી રહી છે. આ સાથે ડ્રગ્સનો સપ્લાય હોકર્સ, બાર્સ અને કોલેજ સર્કિટમાં થઈ રહ્યો હતો કે કેમ, તેની પણ તપાસ થઈ રહી છે. પોલીસ ડ્રગ્સ રૂટ મેપિંગ અને બેંક ખાતાઓના લેવડદેવડની પણ તપાસ કરી રહી છે.આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટની કલમ ૮(c), ૨૨, ૨૭-A, ૨૯ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
