ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 મે 2021
મંગળવાર
મુંબઈના મુલુંડ જમ્બો કોવિડ સેન્ટર, દહિસર કોવિડ જમ્બો સેન્ટર અને BKC જમ્બો કોવિડ સેન્ટર દર્દીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. BMC હાલ એનું સમારકામ કરી રહી છે. સમારકામ બાદ પણ જોકે તેને દર્દી માટે ફરી ખોલવામાં આવવાના નથી. BMCના કહેવા મુજબ આ ત્રણ સેન્ટરનો ઉપયોગ કોરોનાની ત્રીજી લહેર દરમિયાન જ કરવાની છે.
BMCના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીના જણાવ્યા પ્રમાણે આ ત્રણે સેન્ટરનો ઉપયોગ ત્રીજી લહેર આવશે ત્યારે કરવામાં આવશે. હાલ મુંબઈમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો થયો છે. દર્દીની સંખ્યા પણ ઓછી થઈ ગઈ છે. એથી મોટા ભાગની હૉસ્પિટલોમાં પલંગ ખાલી છે. આ ત્રણ કોરોના કૅર સેન્ટર સિવાય મુંબઈમાં બીજા કોવિડ સેન્ટર પણ છે, ત્યાં મોટા પ્રમાણમાં પલંગ ખાલી છે. એથી આ ત્રણ જમ્બો સેન્ટરના સમારકામ બાદ એને બંધ રાખવાના છીએ. ત્રીજી લહેરમાં કેસ વધી જવાથી હૉસ્પિટલ તેમ જ અન્ય કોરોના સેન્ટરમાં લોડ વધી જતો જણાશે તો આ ત્રણ સેન્ટરનો ઉપયોગ ત્યારે કરવામાં આવશે, એટલે સમારકામ બાદ ત્રણ સેન્ટર બંધ જ રાખવામાં આવવાના છે.
મુંબઈમાં કેસ ઘટવાની સાથે જ ગોરેગામના નેસ્કો, ભાયખલામાં આવેલા કોવિડ સેન્ટર સહિત અન્ય સેન્ટરમાં પણ જગ્યા ખાલી છે. જો ભવિષ્યમાં આવશ્યકતા જણાઈ તો શૉર્ટ નોટિસમાં ત્રણ કોવિડ સેન્ટર ફરી ચાલુ કરાશે એવું પણ સુરેશ કાકાણીએ જણાવ્યું હતું.