ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑક્ટોબર, 2021
મંગળવાર
વર્સોવાથી વિરાર સુધી પ્રવાસ કરનારા વાહનચાલકો માટે સી-લિન્કના રૂપે નવો માર્ગ બનશે. એના માટે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MSRDC)એ પ્રસ્તાવિત સી-લિન્કનાં યોજના-અહેવાલ તૈયાર કરવા માટે એક કંપનીની નિમણૂક કરી છે. સી-લિન્કના નિર્માણ પાછળ અંદાજે 32,865 કરોડ રૂપિયા ખર્ચ થશે. કાંદિવલીના ચારકોપ સહિત ચાર ઠેકાણે કનેક્ટર બનશે.
વર્સોવાથી વિરાર સુધીનો આ દરિયાઈ માર્ગ 42.75 કિલોમીટરનો હશે. એના પર ૪ લેનની બે માર્ગિકા હશે. આ માટે પેટેકલ કન્સલ્ટન્ટ કંપનીને પ્રોજેક્ટનો અહેવાલ તૈયાર કરવા માટે સ્વીકૃતિપત્ર આપવામાં આવ્યો છે. આ કંપનીએ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન, આર્થિક ખર્ચ, પર્યાવરણીય તપાસ વગેરે બાબતોનો અહેવાલ તૈયાર કરવાનો રહેશે. એનો કાર્યકાળ બે વર્ષ છે. આ સમયગાળાની અંદર કંપનીએ MSRDC સમક્ષ રિપૉર્ટ રજૂ કરવાનો રહેશે.
આ થાણા છે કે કોઈ પર્વતીય પ્રદેશ? રસ્તા પર ખાડા એવા કે લાગે છે કોઈ બી ટાઉનમાં આવ્યા હોય. જાણો વિગત.
આંતરિક દરિયાઈ માર્ગને જમીન સાથે જોડવા માટે ચાર જગ્યાએ કનેક્ટ કરવાનો પ્રસ્તાવ છે. એમાં વિરાર અને વસઈના દરિયાઈ પટ્ટા, મીરા-ભાયંદરના ઉત્તન અને કાંદિવલીના ચારકોપનો સમાવેશ છે. સી-લિન્કનું નિર્માણ બે તબક્કામાં થશે. પ્રથમ તબક્કામાં વર્સોવાથી વસઈ અને બીજામાં વસઇથી વિરાર સુધી સી-લિન્ક બનાવવામાં આવશે. વર્સોવા-વિરાર સી-લિન્કને લીધે વિરારથી બાંદરા સુધી પહોંચવું ખૂબ જ સરળ બની જશે અને ટ્રાફિકની સમસ્યા હલ થશે તેમ જ પ્રવાસીઓનો સમય પણ બચશે.