ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૧ મે ૨૦૨૧
મંગળવાર
મીરા-ભાઈંદરમાં કોરોના દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. એક તરફ, જ્યારે મહાનગરપાલિકા પહેલેથી જ આશરે ૫૦૦ કરોડના દેવામાં ડૂબી ગઈ છે, ત્યારે મીરા ભાઈંદરના ડેપ્યુટી મેયર હસમુખ ગહલોતે કોરોના દર્દીઓને તેમના કોર્પોરેટર ફંડમાંથી ૧૫ લાખ અને ડેપ્યુટી મેયરના ભંડોળમાંથી ૧૫ લાખ આપ્યા છે. એમ કુલ ૩૦ લાખ રૂપિયા સહાયરૂપે આપ્યા છે. આ બાબતે પાલિકા આયુક્ત દિલીપ ધોલેને પત્ર લખી તેમણે આ માહિતી આપી હતી.
કોરોનાના ગંભીર દર્દીઓના વિવિધ પરિક્ષણ અને ઉપચાર જેમ કે સીટીસ્કેન, ઓક્સિજન અને વેન્ટિલેટર જેવી સુવિધા પાલિકા દર્દીને સ્વખર્ચે કરાવવા દબાણ કરતી હોય છે. હવે જે દર્દીઓ આ ખર્ચ ઉપાડી શકે તેમ નથી તેમના માટે હસમુખ ગહલોતે આ રકમ આપી છે. મૂળભૂત રીતે વોર્ડમાં કેટલાક નોંધપાત્ર કામ કરવા માટે દરેક કોર્પોરેટરને દર વર્ષે યોગ્ય ભંડોળ આપવામાં આવે છે. ગયા વર્ષે, દરેક કોર્પોરેટરનું ફંડ ૧૨.૫ લાખ હતું, આ વર્ષે તેને વધારીને ૧૫ લાખ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે નગરસેવકો આ ભંડોળનો ઉપયોગ બેંચ, ચૌ, ફૂટપાઠ અને બ્યુટીફીકેશન માટે કરે છે. તેવામાં ડેપ્યુટી મેયરની આ પહેલની લોકોએ સરાહના કરી છે.
ઉલ્લેખનીય છે કે હસમુખ ગહલોતે ગયા વર્ષે પ્રથમ લહેર વખતે પણ બંને ભંડોળમાંથી કુલ ૨૫ લાખ રૂપિયા સહાયરૂપે આપ્યા હતા.