ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ મે ૨૦૨૧
બુધવાર
કોરોનાની ગંભીર પરિસ્થિતિ વચ્ચે તોફાની આફત આવતાં હવે મુંબઈ અને એની આજુબાજુના વિસ્તારોમાં રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વસઈ-વિરાર વિસ્તારમાં હજી વીજળીનાં ઠેકાણાં નથી. આશરે ૫૬ કલાક બાદ ગઈકાલે બપોરે અમુક વિસ્તારોમાં વીજપુરવઠો પૂર્વવત્ થયો હતો.
નાલાસોપારામાં રહેતાં યશ્વી શેઠે ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “વાવાઝોડાને કારણે બે દિવસ વીજળી અને પાણીનહોતાં. ગઈકાલે માત્ર બે કલાક માટે બપોરે વીજળી આવી હતી અને ત્યાર બાદ ફરી રાત્રે ૧૦ વાગ્યાથી બે કલાક માટે વીજળી આપવામાં આવી હતી.” હાલ ૧૨ વાગ્યાથી વીજપુરવઠો ફરી શરૂ થયો છે, પરંતુ એ કેટલી વાર રહેશે એનો ભય સ્થાનિક લોકોને સતાવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે વાવાઝોડાને કારણે ભારે વરસાદ અને જોરદાર પવન ફૂંકાતાં અનેક વૃક્ષો ધરાશાયી થયાં છે, એને કારણે વીજળીના તારને ઘણું નુકસાન થયું છે. ઉપરાંત વાવાઝોડાને કારણે મોબાઇલ ટાવરોને નુકસાન થયું હોવાથી નેટવર્કની પણ સમસ્યા થઈ રહી છે, જેને કારણે ઇન્ટરનેટ અને ફોન-કૉલ્સ કરવામાં પણ અગવડ પડી રહી છે.