ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ જૂન ૨૦૨૧
મંગળવાર
ઘાટકોપરની રાજાવાડી હૉસ્પિટલમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સંબંધીઓએ દાવો કર્યો છે કે ઉંદર દર્દીની આંખને કરડી ગયો છે. દર્દીને બે દિવસ પહેલાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સંબંધીઓ દ્વારા મુંબઈ મહાનગરપાલિકાની રાજાવાડી હૉસ્પિટલના વહીવટ સામે આ આરોપ લગાવ્યા બાદ દર્દીઓના સ્વાસ્થ્યનો મુદ્દો ફરી એક વખત સામે આવ્યો છે.
આ 24 વર્ષીય દર્દીનું નામ શ્રીનિવાસ યલ્લપ છે. શ્વાસની તકલીફને કારણે બે દિવસ પહેલાં તેમને રાજાવાડી મ્યુનિસિપલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેને મગજઅને પિત્તાશયમાં તકલીફ હોવાનું નિદાન થયું હતું. સારવાર દરમિયાન તેના સગાંસંબંધીઓએ આજે સવારે દર્દીની આંખમાંથી લોહી નીકળતું જોયું હતું. જ્યારે તેઓએ તેમની આંખ તપાસી, ત્યારે તેઓએ શોધી કાઢ્યું હતું કે તેમને ઉંદરે કરડી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે રાજાવાડી હૉસ્પિટલના અધીક્ષક વિદ્યા ઠાકુરે એક મીડિયા હાઉસને કહ્યું હતું કે, ICU રૂમ ગ્રાઉન્ડ ફ્લોર પર હોવાથી અહીં ઘણા બધા ઉંદરો જોવા મળે છે અને પહેલી નજરે એવું લાગે છે કે ઉંદરો આ દર્દીને કરડી ગયો છે. એક સમાચાર ચૅનલના આ સમાચાર પ્રસારિત કર્યા બાદ મેયર કિશોરી પેડણેકરે તરત જ આની નોંધ લીધી અને તપાસના આદેશ આપ્યા છે.