ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ મે ૨૦૨૧
બુધવાર
તાઉતે વાવાઝોડાના કારણે મુંબઈ અને ગુજરાતમાં અનેક ઠેકાણે નુકસાન થયું છે. મુંબઈના દરિયાઈ પ્રવેશ દ્વાર તરીકે જાણીતા ગેટ વે ઑફ ઇન્ડિયાને પણ એનાથી નુકસાન થયું છે. વાવાઝોડાને કારણે ઇમારતની નજીક રહેલી સમુદ્રનાં મોજાંનો સામનો કરતી સલામતીની દીવાલ અને લોખંડનો દરવાજો તૂટી પડ્યો હતો. આયર્ન બેરીકેડને પણ ખરાબ રીતે નુકસાન થયું હતું.
ઉપરાંત આ વિસ્તારમાં દરિયાઈ કાટમાળ, કાદવ અને રેતી ચારે બાજુ ફેલાયેલાં છે. દરમિયાન, મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે તુરંત જ પરિસરની મુલાકાત લીધી હતી અને મુંબઈ પૉર્ટ ટ્રસ્ટના સ્થળનું ઑડિટ કરવાની સૂચના આપી હતી. કોરોનાને કારણે લાદવામાં આવેલા કડક પ્રતિબંધ અને તોફાનની ચેતવણીને કારણે મુંબઈગરાઓ ઘરે જ રહ્યા હતા, એથી મોટી જાન હાનિ ટળી હતી. જોકેમુંબઈના કોરોના સેન્ટર, રસીકરણ કેન્દ્રો અને સેંકડો વૃક્ષો અને પક્ષીઓ અસરગ્રસ્ત થયાં હતાં.
ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે એ ડિવિઝનનાં સહાયક કમિશનર ચંદા જાધવ અને પાલિકા પ્રાચીન સંરક્ષણ સમિતિના સંજય સાવંત ઉપસ્થિત રહ્યાં હતાં. દરમિયાન મેયરે બાંદ્રા-કુર્લા કૉમ્પ્લેક્સમાં જમ્બો કોરોના સેન્ટરનું નિરીક્ષણ પણ કર્યું હતું.