ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 મે 2021
શુક્રવાર
તાઉતે વાવાઝોડાએ ખાનાખરાબી સર્જવાની સાથે જ મુંબઈની ચોપાટીઓ પર મોટા પ્રમાણમાં ગંદકી ઠાલવી હતી. ચાર દિવસમાં BMCએ મુંબઈની સાતે ચોપાટી પર રાત-દિવસ સફાઈ કરી હતી અને અધધધ કહેવાય એટલો 153 મૅટ્રિક ટન કચરો સાફ કર્યો છે.
પર્યટકોની અત્યંત માનીતી ગિરગાંવ ચોપાટી, દાદર, ચિંબઈ, જુહુ, વર્સોવા, મઢ અને ગોરાઈ આ સાત ચોપાટી મુંબઈમાં છે. આ સાતે ચોપાટીની કુલ લંબાઈ 36.5 કિલોમીટર જેટલી છે. વાવાઝોડાને પગલે મોટા પ્રમાણમાં આ ચોપાટીઓ ઉપર કચરો ઢસડાઈ આવ્યો હતો. સામાન્ય રીતે BMC દ્વારા પ્રતિદિન આ ચોપાટીઓની સફાઈ કરવામાં આવતી હોય છે. સફાઈ માટે પાલિકાએ અહીં ટ્રૅક્ટર, ટ્રૉલી, કૉમ્પેક્ટર જેવી મશીનરી પણ રાખી છે. જોકે 15 મેથી 18 મે, 2021 આ ચાર દિવસ વાવાઝોડાને પગલે મોટા પ્રમાણમાં કચરો કિનારા પર જમા થયો હતો. પાલિકાએ અહીં વધારાના કર્મચારીઓને નીમ્યા હતા. મોટા પાયા પર સફાઈકામ હાથમાં ધરીને ચોપાટીઓને પહેલાં જેવી સ્વચ્છ બનાવી દીધી હતી.
ચાર દિવસમાં ચોપાટીઓ પરથી સાફ કરવામાં આવેલો કચરો :
15 મે, 2021 : 33,110 કિલોગ્રામ
16મે, 2021 : 39,610 કિલોગ્રામ
17મે, 2021 : 19,100 કિલોગ્રામ
18મે, 20121 : 62,010 કિલોગ્રામ