ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ મે ૨૦૨૧
બુધવાર
તાઉતે વાવાઝોડાને કારણે માયાનગરી મુંબઈમાં અનેક જગ્યાએ વૃક્ષો તૂટી પડ્યાં હતાં. જમીનદોસ્ત થયેલાં આ વૃક્ષોને લીધે કેટલાક મુંબઈગરાઓની માલમતાને નુકસાન પહોંચ્યું હતું, તો કેટલીક જગ્યાએ રસ્તા બ્લૉક થઈ ગયા હતા.
વાવાઝોડાને કારણે મુંબઈમાં ત્રણ જ્યારે થાણે, પાલઘર જિલ્લામાં પાંચ નાગરિકોનાં મોત થયાં હતાં. સીએસએમટી અને કલ્યાણ સેક્શનના ઓવરહેડ વાયર પર ઝાડ તૂટી પડ્યું હોવાને લીધે ટ્રેનવ્યવહાર ખોરવાયો હતો. વળી ક્યાંક દુકાનોનાં હોર્ડિંગ્સ અને બૅનર પણ વૃક્ષોનાં શિકાર બન્યાં હતાં.
આટલી આપદા થઈ હોવા છતાં નોંધવા જેવી વાત એ છે કે બૃહદ્ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને હજી સુધી અનેક ઠેકાણેથી ખાસ કરીને રસ્તા પર તૂટી પડેલાં વૃક્ષો હટાવ્યાં નથી, જેને લીધે સામાન્ય જનતાને અવરજવરમાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.
સુધરાઈ ક્યારે જાગશે અને ક્યારે આ દિશામાં કામ કરશે એ તો તેઓ જ જાણે, પણ નાગરિકોને તકલીફ થઈ રહી છે એ વાત પાક્કી.