ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 નવેમ્બર, 2021
સોમવાર
નવેમ્બર મહિનો શરૂ થઈ ગયો હોવા છતાં હજી મુંબઈમાં ઠંડીનું આગમન થયું નથી. જોકે છેલ્લા બે દિવસથી મુંબઇ ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું છે. આ વાતાવરણ ગુલાબી ઠંડીના એંધાણ આપે છે તો બીજી બાજુ લોકોને ઉધરસની સમસ્યા થઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી મુજબ આગામી બે દિવસ સુધી મુંબઈની વિઝિબિલિટી ઓછી રહેશે.
સામાન્ય રીતે મુંબઈમાં દિવાળી બાદ ઠંડી શરૂ થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે મુંબઇવાસીઓને ગુલાબી ઠંડીની રાહ જોવી પડશે. શહેરમાં ગરમીનો પારો ગગડતો નથી, વરસાદી વાદળો છવાયા છે. પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર ઓછા દબાણનો પટ્ટો રચાયો છે અને તેની અસર મુંબઈના વિસ્તારમાં જોવા મળી રહી છે. વાદળોને કારણે દરિયાકાંઠા નજીકના વિસ્તારોમાં ધુમ્મસ છવાઈ રહ્યું છે. આગામી બે દિવસમાં તેની અસર ઓછી થશે તેવી માહિતી મળી છે. આ આબોહવા પરિવર્તનની અસર મુંબઈગરાના સ્વાસ્થ્ય પર પડી છે. જેમાં ઘણાને ગળામાં દુખાવો, ખાંસી અને શરદીનો સામનો કરવો પડી રહ્યો છે. આવા વાતાવરણમાં ડૉક્ટરોએ લોકોને કાળજી લેવાની સલાહ આપી છે.
રવિવારે કોલાબાનું લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ અને સાંતાક્રુઝમાં 25 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તેથી લાગે છે કે મુંબઈના લોકોએ હજી થોડા દિવસ ઠંડીની રાહ જોવી પડશે. ઓક્ટોબરના અંત સુધીમાં ઠંડી શરૂ થઈ જતી હોય છે. આ વર્ષે શહેર સહિત ઉપનગરોમાં તાપમાનનો પારો સરેરાશ નીચે ગયો નથી. તેવી જ રીતે શિયાળાની શરૂઆત થાય ત્યારે હવાની ગુણવત્તા ઘણી ઘટી જતી હોય છે અને શ્વાસ સંબંધી સમસ્યાઓ નિર્માણ થતી હોય છે. હજી કોરોનાનો પ્રકોપ સંપૂર્ણ રીતે ગયો નથી તેથી ડૉક્ટરો આ વાતાવરણમાં વિશેષ કાળજી લેવાની સલાહ આપી રહ્યા છે.