ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 7 ડિસેમ્બર 2021
મંગળવાર.
વસઈ-વિરાર પાલિકાની હદમાં લગભગ 9,000 બાંધકામ ગેરકાયદે હોવાની ચોંકાવનારી કબૂલાત વસઈ-વિરાર મહાનગરપાલિકાએ હાઈ કોર્ટમાં કરી છે. તેમ જ તેને લગતી એફિડેવિડ પણ તેમણે કોર્ટમાં દાખલ કરી છે.
વસઈ-વિરાર મહાગરપાલિકામાં રહેલા ગેરકાયદે બાંધકામને કારણે ચોમાસામાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે. સ્યુએજ પાણીનો પણ યોગ્ય રીતે નિકાલ થતો નથી. તેને કારણે ચોમાસામાં આવતા પૂરને કારણે નાગરિકોને હેરાનગતીનો સામનો કરવો પડે છે એવી એક જનહિતની અરજી બોમ્બે હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. અરજીમાં વિરાર-વસઈમાં 12,000 બાંધકામ ગેરકાયદે હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો.
હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી હતી અને પાલિકા પ્રશાસનને ગેરકાયદે બાંધકામ સામે તાત્કાલિક પગલાં લેવાનો આદેશ આપ્યો હતો. જો બાંધકામ હટાવી નહીં શકતા હો તો પાલિકાને વિસર્જિત કરી નાખો એવી નારાજગી પણ કોર્ટે વ્યક્ત કરી હતી. તે મુજબ પાલિકા પ્રશાસને એફિડેવિડ દાખલ કરીને તેમની હદમાં 9,000 ગેરકાયદે બાંધકામ હોવાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું હતું.