ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૭ મે ૨૦૨૧
સોમવાર
કોરોનાના કપરા કાળ વચ્ચે પણ ઘણી સંસ્થાઓ વિવિધ સેવાકાર્યો કરી રહી છે. આવી જ એક સંસ્થા છે મિશન ગ્રીન મુંબઈ જે મુંબઈ અને મહારાષ્ટ્રના પર્યાવરણના જતન માટે અનેક કર્યો કરે છે. આ સંસ્થાએ એક અનોખું અભિયાન શરૂ કર્યું છે, જેમાં એ ખેડૂતોને કેરીના બીજ આપવા માગે છે.
આ મિશન અંતર્ગત કોઈ પણ વ્યક્તિ કેરી ખાઈ અને તેના ગોટલા આ સંસ્થાને મોકલી શકે છે. કેશવ સૃષ્ટિ દ્વારા આમ કે આમ ગુટલીયોં દામ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને તેના સમર્થન અને પ્રેરણાથી મિશન ગ્રીન મુંબઈએ આ મિશન શરૂ કર્યું છે.
આ સંદર્ભે વાત કરતાં મિશન ગ્રીન મુંબઈના સુભાજિત મુખર્જીએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “લોકો કેરી ખાઈને પોસ્ટલ સર્વિસ દ્વારા અમને ગોટલા મોકલી શકે છે. અમારું મુખ્ય ધ્યેય આ અભિયાન દ્વારા ખેડૂતોને મદદ કરવાનો છે.” ગોટલા મોકલનારે ગોટલા ધોઈ અને 3-૪ દિવસ સૂકવ્યા બાદ તેને નીચે આપેલા સરનામે મોકલવાના રહેશે. કોઈ પણ પ્રકારની કેરીના ગોટલા સ્વીકાર્ય છે. સંસ્થા દ્વારા આ બીજને બીએમસી, વન વિભાગ અને ખેડૂતોને મોકલવામાં આવશે, એથી તેમને કેરીના નવા વૃક્ષ વાવવામાં મદદ કરી શકાય. કેરીના ગોટલા ૧ જુલાઈ, ૨૦૨૧ સુધીમાં પહોંચાડવાના રહેશે.
નેપાળમાં વધતા જતા કોરોના કેસ વચ્ચે ઑક્સિજનની ભારે તંગી; રાખી રહ્યું છે ભારત પાસેથી મદદની આશા…
ઉલ્લેખનીય છે કે મિશન ગ્રીન મુંબઈ ૨૦૧૦માં શરૂ થયું હતું અને અત્યાર સુધીમાં તેઓ ૫૦,૦૦૦ હજારથી પણ વધુ વૃક્ષો તેઓ વાવી ચૂક્યા છે. તેની કામગીરી માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. તે મહારાષ્ટ સરકારના ‘માઝી વસુંધરા’ અભિયાન સાથે પણ જોડાયેલા છે.
કેરીના ગોટલા મોકલવા માટે સરનામું – મિશન ગ્રીન મુંબઈ, સી વ્યૂ, પ્લૉટ ૬, ચારકોપ, સેક્ટર ૮, કાંદિવલી વેસ્ટ, મુંબઈ – ૪૦૦૦૬૭. વોટ્સએપ – ૯૩૨૩૯૪૨૩૮૮