ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૦ જુલાઈ, ૨૦૨૧
શનિવાર
દેશની આર્થિક રાજધાની એવી મહાનગરી મુંબઈમાં સુરક્ષાની દૃષ્ટિએ જોખમી એવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ બાતમી સામે આવી છે. મુંબઈમાં અનેક ઠેકાણે દુકાનોમાં ગેરકાયદે ડ્રોન વેચાઈ રહ્યા છે. એક મીડિયા હાઉસે આ બાબતનું સ્ટીંગ ઓપરેશન કર્યું હતું. આ સ્ટીંગ ઓપરેશનમાં સામે આવ્યું છે કે મુંબઈમાં ડ્રોન ખૂબ જ સરળતાથી મળે છે.
ફોર્ટમાં બોરો બજાર, સેન્ટ્રલ કેમેરા બિલ્ડિંગ લેમિંગટન રોડ અને ગોરેગાવના મોતીલાલ નગરમાં ડ્રોનનું ગેરકાયદે વેચાણ થઈ રહ્યું છે. ઉપરાંત પુરા પૈસા રોકડા લઈ અને પછી જ ડ્રોનની ડિલીવરી કરાય છે અને કોઈ બીલ પણ નહિ એટલે કે આ આખો ગોરખ ધંધો ચાલે છે. આ મામલો મહત્ત્વનો એટલે પણ છે કારણ કે થોડાક સમય અગાઉ જ જમ્મુમાં અને પાકિસ્તાનમાં ભારતદૂતાવાસ પર પણ ડ્રોન દેખાયું હતું. તેથી ડ્રોન દ્વરા હુમલાની શક્યતા નકારી શકાતી નથી.
પોલીસ સાથે ગુંડાગીરી કરતી વખતે તો ખૂબ મરદાનગી દેખાડી, પછી ટપ-ટપ આંસુ વહ્યાં; જુઓ વીડિયો
તમને જણાવી દઈએ કે સુરક્ષાના કારણોસર મુંબઈ અને બીજા સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ છે. નેનો ડ્રોન એટલે કે ૨૫૦ ગ્રામથી ઓછું વજન ધરાવતા ડ્રોન સિવાય બીજા દરેક પ્રકારના ડ્રોન ઉડાવવા માટે લાઇસન્સની જરૂર પડે છે. ઉપરાંત મુંબઈમાં આ ડ્રોન ઉડાવવા માટે પરવાનગી જરૂરી છે. તેના વગર ડ્રોન ઉડાવવું એ કાયદેસર ગુનો છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં ૯૦ના દસકાનો બોમ્બબ્લાસ્ટ અને ૨૬/૧૧નો હુમલો હજી પણ લોકો ભૂલી શક્ય નથી. તેથી મુંબઈમાં આમ ધોળે દિવસે ગેરકાયદેસર ડ્રોનનું વેચાણ થઈ રહ્યું છે તે ખરેખર ચિંતાનો વિષય છે. આ સ્ટીંગ ઓપરેશન દ્વારા બહાર આવેલી આ બાતમીથી હવે પોલીસ અને સુરક્ષા તંત્ર આ મામલે આગામી દિવસોમાં કોઈ નક્કર પગલાં લેશે તેવી શક્યતા છે.