ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,22 જાન્યુઆરી 2022
શનિવાર.
દક્ષિણ મુંબઈમાં તાડદેવમાં ગોવાલિયા ટેન્ક પાસે ભાટિયા હોસ્પિટલની બાજુમાં આવેલી હાઈરાઈસ ગ્રાઉન્ડ પ્લસ 20 માળાની ‘સચિનામ હાઈટ્સ’ બિલ્ડિંગમાં વહેલી સવારે લાગેલી ભીષણ આગે ત્રણનો ભોગ લીધો છે.
ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ કમલા બિલ્ડિંગના 18મા માળા પર વહેલી સવારના 7 વાગ્યા ની આસપાસ અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટના સ્થળે ફાયરબ્રિગેડના 13 ફાયર એન્જિન અને સાત જંબો ટેન્કરે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. પોણા આઠ વાગ્યાની આસપાસ આ આગને લેવલ -3ની જાહેર કરવામાં આવી હતી.
વહેલી સવાર હોવાથી લોકોમાં ઊંઘમાં હતા. જોકે આગની જાણ થતા મોટાભાગના રહેવાસીઓ ઘરની બહાર દોડ મૂકી હતી. આ દરમિયાન આખી બિલ્ડિંગમાં આગને કારણે ધુમાડો ફેલાઈ ગયો હતો. બિલ્ડિગની લાઈટ પણ જતી રહી હતી. દરેક માળા પર છ ઘર હતા. ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને અનેક લોકોને બચાવ્યા હતા. આ દરમિયાન લગભગ 15 લોકો જખમી થયા હતા. તેમને ભાટિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં છ લોકો સિનિયર સિટિઝન હોવાથી તેમને ધુમાડાને કારણે શ્વાસ લેવામાં ત્રાસ થતા તેમને ઓક્સિજનની જરૂર પડી હતી. જેમાંથી ત્રણની હાલત ગંભીર હોવાથી તેમને આઈસીયુમાં દાખલ કરવામા આવ્યા હતા. બાદમાં ગંભીર રીતે જખમી થયેલાઓને નાયર હોસ્પિટલ અને કસ્તુરબા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ગંભીર રીતે જખમી થયેલા લોકોમાં ત્રણને ડોકટરે મૃત જાહેર કર્યા હતા, જેમાં બેનું નાયર હોસ્પિટલમાં તો એકનું કસ્તુરબા હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.
મુંબઈગરા બગીચામાં ફરવા તૈયાર રહેજો, ઉદ્યાન, મેદાનોને લઈને પાલિકાની આ છે યોજના; જાણો વિગત
ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ મોડેથી આગ બુઝાવવામાં સફળતા મળી હતી. જોકે પૂરી બિલ્ડિંગમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. પરંતુ હાઈરાઈસ ઈમારત હોવાથી આગ ઝડપભેર ફેલાઈ ગઈ હતી અને ધુમાડાને કારણે આગ બુઝાવવાની કામગીરીમાં અડચણ આવી હતી.મોટાભાગના લોકોને ધુમાડાને કારણે શ્વાસ લેવામાં ત્રાસ થયો હતો.
આગ લાગી એ દરમિયાન આખી બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવી હતી. ફાયરબ્રિગેડે મોડે સુધી બચાવ કામગીરી ચાલુ રાખી હતી. છેવટે તમામ લોકોને ઈમારતમાં બહાર કાઢવામાં સફળતા મળી હતી. પરંતુ 15 લોકો જખમી થયા હતા.
ફાયરબ્રિગેડના અધિકારીના કહેવા મુજબ બિલ્ડિંગમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. તેમ જ બિલ્ડિંગની ફાયર સેફ્ટી સિસ્ટમ કામ કરતી હતી કે નહીં તે તપાસ બાદ જાણી શકાશે.