ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,13 જાન્યુઆરી 2022
ગુરુવાર.
કેન્દ્ર સરકારે કોવિડની સેલ્ફ ટેસ્ટ કિટ વાપરવાની મંજૂરી આપી છે. તેથી સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ લેબોરેટરીમાં જવાને બદલે ઘરે જ આ કિટથી તેમને કોરોના થયો છે કે નહીં તે જાણી શકે. મુંબઈમાં છેલ્લા થોડા દિવસમાં ત્રણ લાખ સેલ્ફ કિટ વેચાઈ ગઈ છે. પરંતુ તેમાંથી માત્ર એક લાખ લોકોએ જ પોતાનો અહેવાલ મુંબઈ મહાનગરપાલિકાને આપ્યો છે. તેથી બાકીના લોકોને શોધવું પાલિકા માટે માથાનો દુખાવો બની જવાનો છે.
સેલ્ફ કિટથી ટેસ્ટ કરવું સરળ થઈ ગયું છે. દર્દીને કોરોના છે કે નહીં તે તુરંત જાણી શકાય છે. આવી કિટ વાપર્યા બાદ તેનો અહેવાલ પાલિકાની માય લેબ એપ પર અપલોડ કરવો જરૂરી છે. પરંતુ જે ત્રણ લાખ લોકોએ કિટ ખરીદી હતી, તેમાંથી માત્ર એક લાખ નાગરિકોએ જ પોતાનો અહેવાલ માય લેબ એપ પર અપલોડ કર્યો છે. તેથી બાકીના બે લાખ લોકોને શોધવા પાલિકા માટે મુશ્કેલ થઈ ગયું છે. તેથી પાલિકા બહુ જલદી કેમિસ્ટને ત્યાં કિટના વેચાણની નોંધ રાખવાનું ફરજિયાત કરવાની છે.
શું મુંબઈના યુવાનો બની રહ્યા છે ડાયાબિટીઝનો ભોગઃ એક લાખ સામે આટલા ટકા લોકોને ડાયાબિટીસ, પાલિકાના સર્વેક્ષણમાં આવી ચોંકાવનારી વિગત
સેલ્ફ કિટથી એક લાખ લોકોએ પોતાનો અહેવાલ પાલિકાને સબમીટ કર્યો છે. તેમાંથી 3,149 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. જોકે બાકીના બે લાખ લોકો વિશે કોઈ ભાળ નથી. તેઓ જો નેગેટિવ હોય તો પણ તેમણે પોતાનો અહેવાલ સબમીટ કરવાનો આવશ્યક છે. પરંતુ મોટાભાગના લોકો પોઝિટિવ હશે તો પાલિકા તેમના કોરોના સેન્ટરમાં લઈ જશે એ ડરે પોતાનો અહેવાલ સબમિટ કરવાનું ટાળી રહ્યા હોવાનો ડર પાલિકા પ્રશાસનને સતાવી રહ્યો છે અને આવા લોકો બાકીના નાગરિકો માટે જોખમી સાબિત થઈ શકે છે એવો ભય પણ પાલિકા પ્રશાસને વ્યક્ત કર્યો છે.