ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 મે 2021
શનિવાર
કોરોનાને નિયંત્રણમાં લાવવા માટે વેક્સિનેશન આવશ્યક છે. વેક્સિનની અછતને પગલે મુંબઈમાં વેક્સિનેશન ધીમી ગતિએ ચાલી રહ્યું છે, પરંતુ બહુ જલદી મુંબઈને રશિયાની સ્પૂટનિક V રસી મળે એવી શક્યતા છે. ત્રણ કંપનીઓએ BMCને રશિયાની સ્પૂટનિક રસી આપવામાં રસ દાખવ્યો છે.
મુંબઈમાં વેક્સિનેશન ઝડપી રીતે થાય એ માટે વૈશ્વિક સ્તરે ટેન્ડર બહાર પાડ્યાં છે. એમાં ત્રણ ડિસ્ટ્રિબ્યુટરોએ રસ દાખવ્યો છે. તેઓએ સ્પૂટનિકની વેક્સિન આપવાની તૈયારી દર્શાવી છે. જેમાં બે હૈદરાબાદની કંપની છે, તો એક લંડન સ્થિત કંપની છે. એ સિવાય BMC કમિશનર ઇકબાલસિંહ ચહલે રશિયન ડાયરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF)ને પત્ર લખી સ્પૂટનિક વેક્સિનના એક કરોડ ડોઝ આપવાની માગણી પણ કરી છે તેમ જ રશિયન કૉન્સ્યુલેટ સાથે પણ BMC સંપર્કમાં છે.
BMC કમિશનર ઇકબાલસિંહ ચહલના કહેવા મુજબ રશિયન કંપનીઓએ BMCને વેક્સિનનો પુરવઠો પૂરો પાડવામાં રસ દાખવ્યો છે. બધું વ્યવસ્થિત પાર પડ્યું તો મુંબઈમાં 10 જૂન સુધી સ્પૂટનિક રસીનો થોડો સ્ટૉક આવી જશે. ત્યાર બાદ દોઢથી બે મહિનામાં વેક્સિનનો બીજો સ્ટૉક મળી જશે એવો અંદાજો છે. એક વખત વેક્સિન મળી જાય તો BMC 60થી 70 દિવસમાં સમગ્ર મુંબઈમાં વેક્સિનેશન આપી શકે એવી તૈયારી રાખી છે.