ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 3 ડિસેમ્બર 2021
શુક્રવાર.
ભારતમાં પણ કર્ણાટક રાજયમાં ઓમીક્રોનના બે કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. મુંબઈ સહિત મહારાષ્ટ્ર સરકાર તેને પગલે સતર્ક થઈ ગઈ છે. મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દક્ષિણ આફ્રિકા સહિત જોખમી દેશોમાંથી આવેલા પ્રવાસીઓના કોરોનાના ટેસ્ટ કરવાનું ચાલુ કરવામાં આવ્યું છે, જેમાં ગુરુવારના 485 પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી 9 પ્રવાસી કોરોના પોઝિટિવ આવ્યા છે. આ તમામ લોકોને હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા છે. તેમ જ તેમના જિનોમ સિકવેન્સિંગ અને એસ-જીનના ટેસ્ટ પણ કરવામાં આવવાના છે.
ઓમીક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેથી કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના એરપોર્ટ પર ટેસ્ટ કરવાના અને તેમને ક્વોરન્ટાઈન કરવાનો નિર્ણય લીધો છે. તે મુજબ મુંબઈ મહાનગરપાલિકાએ છેલ્લા 15થી 20 દિવસમાં જે પ્રવાસી વિદેશથી આવ્યા છે, તેમને શોધવાનું ચાલુ કરી દીધુ છે. વોર રૂમ તૈયાર કરીને તેમને શોધીને તેમના આરટીપીસીઆર કરવામાં આવી રહ્યા છે. જે પોઝિટિવ હોય તેને તુરંત ક્વોરન્ટાઈન કરવામાં આવી રહ્યા છે.
કોરોનાના નવા વેરિયન્ટનો ભય, મુંબઈ પાલિકા વિદેશથી આવતા પ્રવાસીઓ પર ખાસ નજર રાખશે; જાણો વિગતે
10 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી 40 દેશમાંથી 2,868 પ્રવાસીઓ મુંબઈમાં દાખલ થયા હતા. તે તમામને શોધવાનું કામ ચાલુ છે. બુધવાર સુધી ચાર લોકો પોઝિટિવ મળ્યા હતા અને એક કોન્ટેક્ટ ટ્રેસિંગમાં પોઝિટિવ મળી આવ્યો હતો. એટલે બુધવાર સુધી જે પાંચ કોરોના પોઝિટિવ હતા, તેમાં ગુરુવારે વધુ 485 પ્રવાસીઓના ટેસ્ટિંગ બાદ 9 પોઝિટિવ મળી આવ્યા હતા. આ લોકોના સેમ્પલ હવે જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવવાના છે.