ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑક્ટોબર, 2021
સોમવાર
મહારાષ્ટ્ર બંધમાં અત્યાવશ્યક સેવાઓ ચાલુ રહેશે એવી સરકારની જાહેરાત બાદ પણ મુંબઈના અનેક વિસ્તારમાં બેસ્ટની બસોની તોડફોડ કરવામાં આવી હતી. બેસ્ટની બસ અત્યાવશ્યક સેવામાં ગણાય છે, છતાં સવારના 9 વાગ્યા સુધી મુંબઈના જુદા જુદા વિસ્તારમાં 8 બસની તોડફોડ કરવામાં આવી હતી, તો અનેક ઠેકાણે બેસ્ટની બસોને રસ્તા પર જ રોકી દેવામાં આવી હોવાની ફરિયાદો આવી હતી. બેસ્ટ પ્રશાસનના સત્તાવાર રીતે જણાવ્યા મુજબ રવિવાર રાતના 12 વાગ્યાથી સોમવાર સવાર સુધીમાં 8 બસની તોડફોડ કરવામાં આવી હતી. એમાં મુખ્યત્વે ધારાવી, માનખુર્દ, શિવાજી નગર, ચારકોપ, ઓશિવરા, દેવનાર, ઇનઓર્બિટ મૉલ પાસે આ ઘટનાઓ બની હતી. બેસ્ટ પ્રશાસને પોતાની બસ દોડવવા માટે પોલીસ સંરક્ષણ માગ્યુ હોવાનું બેસ્ટે સત્તાવાર રીતે જણાવ્યું હતું. તેમ જ પરિસ્થિતિનો અહેવાલ લઈને બસ દોડવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. આ દરમિયાન બેસ્ટની બસો બંધ કરાવવામાં આવતાં અનેક ઠેકાણે ટૅક્સીઓ માટે લાંબી લાંબી લાઇનો લાગી હતી, તો અનેક જગ્ચાએ ટૅક્સીઓ દ્વારા મનફાવે એવા પૈસા વસૂલ કરવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો આવી હતી.