ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 20 ડિસેમ્બર 2021
સોમવાર.
મહારાષ્ટ્ર સરકારે રાજયમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના કુટુંબને ૫૦,૦૦૦ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. જોકે મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ મહાનગરપાલિકાની બેદરકારીને કારણે મૃતકોના પરિવારજનો આ વળતર મેળવવાથી દૂર રહ્યા છે. સુપ્રીમ કોર્ટના ઠપકા બાદ જાગેલી સરકારે પાલિકાને મૃતકોના સંબંધીઓને તાત્કાલિક શોધીને તેમના સુધી પહોંચવાનો આદેશ આપ્યો હતો.
પાલિકાએ વોર્ડ સ્તરે કોવિડથી મૃત્યુ પામેલા લોકોના કુટુંબોને શોધવાનું કામગીરી શુક્રવારથી ચાલુ કરી હતી. જેમાં રવિવાર સાંજ સુધીમાં ૮,૦૦૦ પરિવાર સુધી પહોંચવામાં પાલિકાને સફળતા મળી હતી. મુંબઈમાં ૧૮ ડિસેમ્બર સુધી કોરોનાથી મૃત્યુ પામનારાની સંખ્યા ૧૬,૩૬૩ છે. એટલે રવિવાર સુધી પાલિકા 50 ટકા લોકો સુધી પહોંચી હતી અને તેમના પરિવાર પાસેથી 50,000 રૂપિયાનું વળતર મેળવવા માટે ઓનલાઈન અરજી કરાવી હતી.
મૃતકોના પરિવારને રાજય સરકાર તરફથી ૫૦,૦૦૦ રૂપિયાનું વળતર મળવાનું છે. પરંતુ સરકારની બેદરાકરીને કારણે લોકો આગળ આવ્યા જ નહોતા. તેથી પાલિકાના વોર્ડરૂમ સ્તરે પોતાના કર્મચારીઓને અસરગ્રસ્ત પરિવારને શોધવાને કામે લગાવી દીધા હતા. પાલિકા પાસે આ અરજી આવ્યા બાદ તેની સ્ક્રુટીની કર્યા બાદ તેને રાજ્ય સરકાર પાસે મોકલશે.
જે પરિવાર વળતને પાત્ર હશે તેમની અરજીને પાલિકા મંજૂર કરશે. રાજ્ય સરકારના માધ્યમથી તેમના એકાઉન્ટમાં સીધી રકમ જમા થશે.