News Continuous Bureau | Mumbai
ગત વર્ષની શરૂઆતમાં મલાડના માલવાણીમાં એક સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનું નામ ‘વીર ટીપુ સુલતાન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ’ રાખવામાં આવ્યું હતું. જેનો ભાજપે જોરદાર વિરોધ કર્યો હતો. જોકે હવે રાજ્યમાં સત્તા પરિવર્તન થયું છે અને રાજ્યમાં શિવસેના-ભાજપ ગઠબંધનની સરકાર આવી છે. આથી મુંબઈ ઉપનગરના પાલક મંત્રી મંગલપ્રભાત લોઢાએ માલવણી વિસ્તારમાં પાર્કને આપવામાં આવેલ ટીપુ સુલતાનનું નામ હટાવવાનો આદેશ આપ્યો છે. તે મુજબ ઉપનગરીય જિલ્લા કલેક્ટરે આ અંગે આદેશ જારી કર્યા છે.
આ મુદ્દે ઘણા સમયથી રાજકારણ ચાલતું હતું. ટીપુ સુલતાનનું નામ હટાવવાના નિર્ણયને ભાજપની જીત તરીકે જોવામાં આવી રહ્યો છે.
દરમિયાન મીડિયા સાથે વાત કરતા મંત્રી મંગલ પ્રભાત લોઢાએ કહ્યું કે, તેમાં કોઈ રાજનીતિ સામેલ નથી અને તેઓ ટીપુ સુલતાન પાર્કનું નામ બદલવાના વિરોધમાં રસ્તા પર ઉતરી આવેલા લોકોની ઈચ્છાઓનું સન્માન કરે છે. તેમણે કહ્યું કે, કેટલાક લોકોએ તેને ટીપુ સુલતાન ગાર્ડન કહીને બેનર લગાવ્યું હતું, જેના પછી સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો હતો. અગાઉ આ પાર્કનું કોઈ સત્તાવાર નામ નહોતું તેથી મેં અધિકારીઓને જરૂરી પગલાં લેવા અને ગેરકાયદેસર બેનર દૂર કરવા જણાવ્યું છે. જો તેને નામ આપવું પડશે, તો અમે યોગ્ય પ્રક્રિયાને અનુસરીશું.
આ સમાચાર પણ વાંચો: ટેનિસ સ્ટાર સાનિયાએ પુત્ર સાથે કરી ફાઇનલની ઉજવણી, દીકરાને મેદાન પર જોઈ ઝૂમી ઉઠી ખેલાડી.. જુઓ વિડીયો..
મંગલપ્રભાત લોઢાએ કહ્યું કે, સાંસદ ગોપાલ શેટ્ટી અને અન્ય કેટલાક સભ્યો દ્વારા જિલ્લા આયોજન સમિતિમાં આ અંગે કરવામાં આવેલી માંગણી બાદ આ નામ હટાવવાનું સૂચન કરવામાં આવ્યું હતું. મલાડ પશ્ચિમમાં એક પાર્કનું નામ ટીપુ સુલતાન પર રાખવામાં આવ્યું હતું. ગયા વર્ષે ભાજપ અને બજરંગ દળે આ નામનો વિરોધ કર્યો હતો. જેથી આ મામલે રાજકીય વિવાદ ઉભો થયો હતો. ગયા વર્ષે આ આંદોલન 26 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. જે બાદ ફરી એકવાર આ પ્રશ્ન ચર્ચામાં આવ્યો છે. સાંસદ ગોપાલ શેટ્ટીએ થોડા દિવસો પહેલા મુંબઈ ઉપનગરોની જિલ્લા આયોજન સમિતિની બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. અને જિલ્લા આયોજન સમિતિની બેઠકમાં શેટ્ટીની આ માંગને ઘણા સભ્યોએ ટેકો આપ્યો છે. તેથી મુંબઈ ઉપનગરીય પાલક મંત્રી મંગલપ્રભાત લોઢાએ આ પાર્કનું નામ હટાવવાની સૂચના આપી છે. આ આદેશ મુજબ ટૂંક સમયમાં કાયર્વાહી કરવામાં આવશે. પરંતુ પાર્કને નવું નામ શું આપવામાં આવશે તે અંગે હજુ સુધી નિર્ણય લેવાયો નથી.