ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ જુલાઈ, ૨૦૨૧
સોમવાર
પીપલ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (પીટા) ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલી એક તપાસમાં ખુલાસો થયો છે કે બકરી ઈદની ઉજવણી સંદર્ભે મહારાષ્ટ્ર સરકારના પરિપત્રનું ઉલ્લંઘન કરતા અસંખ્ય અસ્થાયી, ગેરકાયદે અને ગીચ બકરી બજારો સમગ્ર મુંબઈમાં ખૂલી ગયા છે. આ જૂથની તપાસમાં મુંબઈના 23 જુદાજુદા ગેરકાયદેસર રીતે કામચલાઉ બકરી બજારોનો પર્દાફાસ કરવામાં આવ્યો છે.
મહારાષ્ટ્ર સરકારે ઈદ સંદર્ભે જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે કોરોના મહામારીને કારણે હાલના બધા સક્રિય પ્રાણીઓના બજારો બંધ કરાશે અને પ્રાણીઓની ખરીદીને ફક્ત ઓનલાઇન અથવા ટેલિફોન દ્વારા જ મંજૂરી આપવામાં આવે છે. તેમ છતાં છડેચોક આ નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું. અંધેરી, ભાઈખલા, ગોવંડી, જોગેશ્વરી, કુર્લા અને માનખુર્દમાં આ 23 ગેરકાયદે બકરી બજારો આવેલા છે જે કામચલાઉ ધોરણે કામ કરી રહ્યા છે.
ગ્રામીણ ભાગોમાં ૮૦% લોકોને વેક્સિનનો ફોબિયા; સર્વેમાં બહાર આવી ચોંકાવનારી બાતમી, જાણો વિગત
આસામ, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાંથી અહી લવાયેલા લગભગ 1 લાખ બકરાનું બલિદાન માટે વેચાણ થતું હોવાના અહેવાલ છે. આ અંગે પીટા ઇન્ડિયાએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન, મુખ્ય સચિવ, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને પત્ર લખી ફરિયાદ કરી હતી. ઉપરાંત સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ ગેરકાયદે ચાલતા બજારોના માલિકો અને બકરી વેચનારાઓ સામે એફઆઈઆર પણ નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે કે આમ રસ્તા પર અથવા અનઅધિકૃત જગ્યાએ પ્રાણીઓની કતલ કરવી કે વેચાણ કરવું કાયદાકીય રીતે ગુનો છે. અહીં પ્રિવેન્સન ઓફ ક્રુઇલ્ટી ટુ એનિમલ્સ (પીસીએ) એક્ટ, 1960, પ્રાણી પરિવહન નિયમ, 1978 અને COVID-19 પ્રોટોકોલનું ઉલ્લંઘન થતું હોવાથી પીટાએ લાલ આંખ કરી હતી અને ફરિયાદ નોંધાવી હતી.