ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
09 ડિસેમ્બર 2020
આજથી મહારાષ્ટ્ર ટ્રાફિક પોલીસે રોકડમાં દંડ વસૂલવાનું શરૂ કર્યું છે. દંડની રકમ ઈ.ચલણમાં ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. પરંતું, છેલ્લાં 4-5 વર્ષો દરમિયાન ન ચૂકવાયેલી રકમનો આંક એટલો મોટો હતો કે આરટીઓ અધિકારીઓ પણ ચોંકી ગયા. અભ્યાસ કરતા જાણવા મળ્યું કે દંડની રકમ લોકો તાત્કાલિક રોકડમાં ચુકવવા તૈયાર હોય છે. આથી જ હવે ટ્રાફિક પોલીસ સ્થળ પર જ રોકડમાં દંડ વસુલશે.
ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે 1.64 કરોડ લોકોના ₹ 602 કરોડના ચલણોની રકમ વસુલવાના પ્રયત્નો ચાલી રહ્યા છે, જેમાં 40 ટકાથી વધુ ચૂકવણી ન કરાયેલા ચલણો માત્ર મુંબઈના છે. પોલીસનો દાવો છે કે ડિજિટલ ચુકવણીને કારણે પુન:પ્રાપ્તિને ખરાબ અસર થઈ હતી, પરંતુ રોકડ ચુકવણી ફરી શરૂ કરવામાં આવી હોવાથી, રિકવરી દર વધી ગયો છે.
વાહન ચાલકો તરફથી ઈ.ચલણની રકમ નો આંક ભયંકર રીતે મોટો હોવાથી થાણામાં પાછલા વર્ષે રોકડમાં દંડ વસૂલવાની શરૂઆત કરતાં સારી રકમની વસુલાત થઈ હતી. આંબી સફળતા જોઈ મુંબઇમાં પણ મંગળવારથી રોકડ રકમમાં દંડ સ્વીકારવાનું શરૂ કર્યું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે, જો કોઈ વાહનચાલક નિયમોનું ઉલ્લંઘન કરતી પકડાય છે, તો તેને હવે ઇ-ચલન આપવામાં આવશે અને રોકડ ચૂકવણી સ્વીકારવામાં આવશે. જો આ સમયે ઉલ્લંઘન કરનાર પાસે રોકડ નથી, તો તેઓ ઓનલાઇન (પેટીએમ,ગુગલ પે વગેરે) ચુકવણી કરી શકે છે અથવા ક્રેડિટ / ડેબિટ કાર્ડ દ્વારા ચૂકવણી કરી શકે છે..