ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૦ જુલાઈ ૨૦૨૧
શનિવાર
મુંબઈના કફપરેડ વિસ્તારમાંથી એક શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં પોતાની મનમરજી મુજબની બક્ષિસ ન મળતાં એક વ્યંડળે પોતાના સાગરીત સાથે મળીને ઘરમાંથી એક ત્રણ મહિનાની બાળકીનું અપહરણ કર્યું હતું અને તેને ખાડીમાં ફેંકી તેની હત્યા કરી હતી. આ મામલે કફપરેડ પોલીસે વ્યંડળ કાનુ અને તેના સાથીની ધરપકડ કરી છે.
વાત એમ છે કે કફપરેડના આંબેડકર નગરમાં એક દંપતીને ત્યાં ત્રણ મહિના અગાઉ બાળકીનો જન્મ થયો હતો. એ ખુશીમાં વ્યંડળ સમાજના કેટલાક લોકો ત્યાં પહોંચી ગયા હતા અને રોકડ રકમ, શ્રીફળ અને સાડીની માગણી કરી હતી. પરિવારે તેમની આ માગણી પૂરી કરી ન હતી. વ્યંડળની વધારાની રકમ અને ભેટની માગણી પૂરી ન થતાં રાત્રે તેણે બાળકીનું અપહરણ કર્યું હતું.
બાળકી ન મળતા માતાએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ હાથ ધરતા બાળકીનો મૃતદેહ ખાડીમાંથી મળ્યો હતો. તેથી આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ સાથે વ્યંડળ અને તેના સાગરીતની ગઈકાલે ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસે આ બાળકીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે.