મુંબઈ
07 સપ્ટેમ્બર 2020
મુંબઈના ગુજરાતી વિસ્તાર તરીકે જાણીતા વિલેપાર્લેમાંથી મિર્ચી ગેંગનો મુખિયા આશુ જટલા હાપુડ પકડાઈ ગયો હતો. તે દિલ્હીમાં ભાજપના નેતા રાકેશ શર્મા અને નોઈડાના કાર્યકારી ગૌરવ ચંદેલ ની હત્યા કરી મુંબઈ ભાગી આવ્યો હતો. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ ના જણાવ્યા અનુસાર ગયા સપ્તાહે યુપી પોલીસે, મુંબઈ પોલીસને જાણ કરી હતી કે અઢી લાખનો ઈનામી બદમાશ મુંબઈમાં વિલેપાર્લેમાં છુપાયો છે. 
મુંબઇ પોલીસે મળેલી માહિતીને આધારે ત્રણ દિવસ સુધી શાકભાજીના ફેરિયાનો વેશ ધારણ કરી વિલેપાર્લે વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું હતું. અપરાધીએ દાઢી મૂંછ વધારી દીધાં હતાં અને વેશપલટો કરી શાકભાજી વેચી રહ્યો હતો . ઉપરાંત ઉત્તર પ્રદેશ પોલીસે જે ફોટો મોકલાવ્યો હતો તે પણ ઘણો જૂનો હોવાથી આશુને પકડવો પોલીસ માટે એક પડકાર હતો. પોલીસે પોતાની સાથે મ્યુનિસિપાલટીના એક અધિકારીની ટીમ લઇને આશુની દુકાને છાપો માર્યો હતો. ઓળખાણ સ્થાપીત થયા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
અત્રે નોંધનીય છે કે અપરાધી આશુ અને તેના ભાઈ ભોલું ની 25 જણાની એક ગેંગ છે. જેનું નામ રાખવામાં આવ્યું છે મિર્ચી ગેંગ.. આ ટોળકીના સભ્યો લોકોની નજરમાં મરચાનો પાવડર ફેંકી ચોરી લૂંટફાટ કરતા હતા. ઉત્તર ભારતના નોઈડા ગાઝિયાબાદ અને હાપુડ જેવા વિસ્તારમાં આ ગેંગના સભ્યો પર હત્યા અપહરણ અને ચોરી કરવાના ગુનાઓ દાખલ છે. આશુની ધરપકડ બાદ હવે પોલીસને આશા છે કે બીજા ગુનાઓ પણ જલ્દી જ ઉકેલાય જશે.