ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ઑક્ટોબર, 2021
શનિવાર
મુંબઈમાં પાર્કિંગ પ્લૉટની અછત સામે મુંબઈગરા રસ્તા પર ગમે ત્યાં ગેરકાયદે પોતાનાં વાહનો પાર્ક કરીને જતા હોય છે. એનાથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. આવા લોકો પાસેથી ટ્રાફિક પોલીસ દંડ વસૂલ કરતી હોય છે. મુંબઈની ટ્રાફિકની અને પાર્કિંગની સમસ્યા દૂર કરવા માટે તેમ જ ગમે તેમ પાર્કિંગ કરનારા માટે પાલિકા દંડનો નવો નિયમ લાવવાની છે.
મુંબઈ મનપાના નિયમમાં દંડ વસૂલ કરવાની જોગવાઈ નથી. એથી મુંબઈ મનપા મુંબઈ પાર્કિંગ ઑથૉરિટીના નામે નવું ખાતું જ ઊભું કરી રહી છે, જે પાર્કિંગને લગતા નિયમોની સાથે જ દંડની જોગવાઈને માટે કામ કરશે. હાલ એનો ડ્રાફ્ટ બની રહ્યો છે. એને મંજૂરી મળ્યા બાદ ભવિષ્યમાં પાર્કિગ અને એને લગતી દંડની તમામ બાબતો મુંબઈ પાર્કિંગ ઑથૉરિટીના નેજા હેઠળ આવી જશે. ગેરકાયદે પાર્કિંગ કરનારા પાસેથી દંડ વસૂલવાનું કામ ટ્રાફિક પોલીસને બદલે પાલિકાના કર્મચારીઓ કરશે. હાલ મોટર વેહિકલ ઍક્ટ અંતર્ગત આ સત્તા ટ્રાફિક પોલીસ પાસે છે.
મુંબઈ પાર્કિંગ ઑથૉરિટીની રચના માટે હાલ નિષ્ણાતોની પેનલ તૈયાર કરવામાં આવી રહી છે. તેઓ મુંબઈના 24 વૉર્ડમાં પાર્કિંગ મૅનેજમેન્ટને લગતી તમામ પૉલિસી તૈયાર કરવાનું કામ કરી રહી છે.