ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 ઓક્ટોબર, 2021
શુક્રવાર.
મુંબઈ અને ઉપનગરમાં કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) કાયદામાં રહેલા નિયંત્રણોને કારણે અનેક પ્રોજેક્ટના કામ અટવાઈ પડયા હતા. જોકે હવે મુંબઈના કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાનને કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. તેથી બહુ જલદી હવે દરિયા કિનારાની નજીક બાંધકામ કરી શકાશે. અગાઉ દરિયા કિનારાના 500 મીટરના અંતર સુધીમાં બાંધકામ કરવા પર પ્રતિબંધ હતો. હવે આ અંતર ઘટાડીને 50 મીટર કરી નાખવામાં આવ્યું છે. સરકારના આ નિર્ણયને કારણે વર્ષોથી કોસ્ટલ રેગ્યુલેશન ઝોન કાયદાને કારણે દરિયા કિનારા પાસે હવે ઊંચા ટાવરો ઊભા થઈ જશે. તેમજ દરિયા કિનારા પર રહેલા અનેક પ્લોટના ડેવલપ કરવાને આડે રહેલી મુશ્કેલીઓ પણ હવે દૂર થઈ જશે.
કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવામાં વિલંબ થવાથી રાજય સરકાર CRZ, 2019ને મંજૂરી આપી શકતી નહોતી. હવે કેન્દ્ર સરકારે મુંબઈના કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાનને મંજૂરી આપી દીધી છે. તેથી રાજય સરકારે પણ તુરંત CRZ,2019ને અમલમાં મૂકી દીધો છે.
પરિવહન વિભાગનો સૌથી મોટો નિર્ણય : હવેથી તમામ ટૅક્સી પર ઇન્ડિકેટર નહીં હોય તો ટૅક્સી બંધ; જાણો વિગત
આ પહેલા મુંબઈ સહિત રાજયમાં 2019માં કોસ્ટલ રેગ્યુલેટરી ઝોન લાગુ કરવામાં આવ્યો હતો. રાજયમાં દરિયા કિનારા પર મોટા પ્રમાણમાં થતા બાંધકામને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ દરિયા કિનારાના 500 મીટરના અંતર સુધી કોઈપણ પ્રકારનું બાંધકામ કરી શકાતું નહોતું. આ નિયમનને કારણે મુંબઈ જેવા શહેરોમાં જૂની ઈમારતોના રીડેવપમેન્ટના બાંધકામમાં મુશ્કેલીઓ આવી રહી હતી. આ નિયમ મુજબ રીડેવપમેન્ટ માટે સાઉથ મુંબઈમાં 1.33 જેટલી જ એફએસઆઈ તો ઉપનગરમાં ફક્ત 1 જેટલી જ એફએસઆઈ મળતી હતી. તેથી અનેક બિલ્ડિંગના રીડેવલપમેન્ટમાં અડચણો આવતી હતી. સૌથી વધુ ફટકો ખાનગી બિલ્ડિંગ સહિત મ્હાડાની બિલ્ડિંગને થઈ રહ્યો હતો. હવે નવા નિયમને પગલે હવેથી સાઉથ મુંબઈમાં 3 તો ઉપનગરમાં 2.7 જેટલી એફએસઆઈ મળશે.