ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ઑક્ટોબર, 2021
શનિવાર
દેશની આર્થિક રાજધાની મુંબઈથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો અંધેરી પશ્ચિમ વિસ્તારનો છે. હાલ આ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક કારના બોનેટ પર ટ્રાફિક પોલીસ હવાલદાર બેઠો છે, પરંતુ તેની પાછળની કહાની શું છે એ ખાસ જાણો.
વાત જાણે એમ છે કે કારના બોનેટ પર બેઠેલા હવાલદારે ચેકિંગ માટે ગાડી રોકવાનો ઇશારો કર્યો હતો, પરંતુ કારચાલક ગાડી રોકવાની જગ્યાએ ભગાડવા લાગ્યો. કાર રોકવા માટે ટ્રાફિક હવાલદાર કારના બોનેટ પર જઈને બેસી ગયો. હવાલદારે કારસવારને બહાર નીકળવાનું કહ્યું, પરંતુ તે કારમાંથી બહાર નીકળ્યો નહીં અને તક મળતાં જ ભાગવા લાગ્યો. આ દરમિયાન બોનેટ પર બેઠેલો ટ્રાફિક હવાલદાર થોડે દૂર સુધી કાર સાથે ગયો, પરંતુ આગળ જઈને નીચે પડી ગયો.
આ ઘટના બાદ ડી. એન. નગર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થયો છે. પોલીસે આરોપી કારચાલક વિરુદ્ધ IPCની કલમ 353, 279, 336 સાથે 184 હેઠળ મામલો દાખલ કર્યો છે. આ સાથે જ આરોપી કારચાલકની અટક પણ કરી લીધી છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ મુંબઈમાં આવો જ એક બનાવ જોવા મળ્યો હતો, જેમાં BMCના કર્મચારી ક્લીન-અપ માર્શલને માસ્ક પહેરવા માટે એક માણસને કહેવું ભારે પડ્યું હતું.