ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
21 સપ્ટેમ્બર 2020
દક્ષિણ મુંબઈનો પોશ એરિયા ગણાતાં મરીન ડ્રાઇવ પર ચાલવા આવનારા જાહેરમાં માસ્ક પહેર્યા વગર ફરી રહયાં છે અને નિયમની ખુલ્લેઆમ અવગણના કરી રહ્યા છે, આમ માસ્ક વગર વૉક કરનારાં લોકો પોતાની સાથે બીજાનો જીવ પણ જોખમમાં મૂકી રહયાં છે.. એકલા શનિવારે, BMC એ 45 લોકોને માસ્ક ન પહેરવા બદલ તેમની પાસેથી 9000 રૂ. દંડની રકમ વસૂલી છે. આમ ગત પાંચ દિવસમાં, બીએમસીએ મરીન ડ્રાઇવની માસ્ક વગર હવા ખાવા આવેલા 85 લોકોને દંડ ફટકાર્યો હતો. પહેલાં દંડની રકમ 1000 હતી પરંતું લોકો ભરવા માટે ખૂબ દલીલો કરતાં હતાં. આથી પાલિકાએ નક્કી કર્યું કે માસ્ક વગરનાં લોકોમાં જાગૃતિ લાવવા 200 રૂ. નો જ દંડ લેવામાં આવે.
બીએમસીએ કોલાબા, કફ પરેડ, ફોર્ટ, મરીન ડ્રાઇવનો સમાવેશ કરેલા આખા એ વોર્ડમાં 432 લોકોને દંડ કર્યો અને પાંચ દિવસમાં 86,400 રૂપિયા એકઠા કર્યા. માસ્ક ન પહેરવા બદલ દંડ વસૂલવાના ચાર્જ સંભાળનારા એ વોર્ડ મેનેજમેન્ટના અધિકારીએ જણાવ્યું હતું કે, “ઓછામાં ઓછા 45 ટકા લોકો ફેસ માસ્ક પહેરતા નથી અને જ્યારે અધિકારી ના હાથે પકડાઈ જાય છે ત્યારે લોકો જાત જાતના બહાનાં આપે છે. લોકોને ખબર છે કે માસ્ક તેમને અને બીજાને પણ સુરક્ષા આપે છે આમ છતાં તેઓ મરીન ડ્રાઇવ પર આમથી તેમ ભટકતા હોય છે." એવી જ રીતે એ વોર્ડના અન્ય વિસ્તારો જ્યાં નાગરિકો માસ્ક વિના રખડતા જોવા મળ્યા હતા તે સીએસએમટી, ક્રોફોર્ડ માર્કેટ અને બોરા બજાર હતા.
મરીન ડ્રાઈવના રહેવાસી અને રોજ અહીં વૉક લેવા આવતી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે "200 રૂપિયાની દંડની રકમ ખૂબ નજીવી છે, તેમાં વધારો કરવો જોઇએ. પોલીસ અને બીએમસી શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ જ્યારે હું મરીન ડાઇવ પર રાત્રે 8 વાગ્યે ચાલવા ગયો ત્યારે અડધાથી વધુ લોકો માસ્ક વિના હતા. કલમ 144 પણ કામ કરી રહી નથી અને લોકો જૂથોમાં એકઠા થઈ રહ્યા છે. ”