ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 જુલાઈ, 2021
શનિવાર
મુંબઈ મહાનગરપાલિકા પાણીની પાઇપલાઇનમાં મોટા પ્રમાણમાં સમારકામ કરવાની છે. આ કામ મંગળવાર 3 ઑગસ્ટના કરવામાં આવનાર છે. એથી મંગળવારના રોજ દક્ષિણ મુંબઈ અને પશ્ચિમ ઉપનગરમાં 15 ટકા પાણીકાપ રહેશે, તો કુર્લા, ઘાટકોપર, અંધેરી અને ગોરેગામના અમુક વિસ્તારમાં 100 ટકા પાણીકાપ રહેશે.
પાલિકાના પાણીપુરવઠા ખાતા દ્વારા જણાવ્યા મુજબ પાલિકાની પવઈ વેરાવલીમાં આવેલી વૉટર ટનલ અને વેરાવલી રિઝર્વિયરમાંથી રહેલી પાણીનો પુરવઠો કરનારી પાઇપલાઇનમાં અમુક જગ્યાએ જોડાણ અને અમુક જગ્યાએ વ્યાસ બદલવામાં આવવાના છે. તેમ જ ભાંડુપ પમ્પિંગ કૉમ્પ્લેક્સમાં પણ પાઇપલાઇનમાં વ્યાસ બદલવામાં આવનાર છે. આ કામ મંગળવારના સવારના સાડાઆઠથી રાતના સાડાદસ વાગ્યા સુધી ચાલવાનું છે. એથી આ સમય દરમિયાન વિલેપાર્લે, ગોરેગામ, કુર્લા, ઘાટકોપર, અંધેરીમાં પાણીપુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. વિલેપાર્લે, જોગેશ્વરી (ઈસ્ટ), અને ગોરેગામના અમુક વિસ્તારોમાં પાણી ઓછા દબાણ સાથે મળશે. દક્ષિણ મુંબઈમાં પરેલ અને સાયનને બાદ કરતાં તમામ વિસ્તારમાં 15 ટકા પાણીકાપ રહેશે.