ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 07 માર્ચ, 2022,
સોમવાર,
ભાતસા વીજ ઉત્પાદન કેન્દ્ર માં ગયા અઠવાડિયે સર્જાયેલી ટેક્નિકલ ખામીનું સમારકામ હજી પૂરું થયું નથી. તેથી હજી થોડા દિવસ મુંબઈગરાએ પાણીકાપનો સામનો કરવો પડવાનો છે. હજી તો ઉનાળાનું આગમન જ થયું છે અને મુંબઈના નાગરિકોને પાણી માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે આગામી દિવસમાં પાણીની સમસ્યા ગંભીર બની શકે છે એવી ચેતવણી તાજેતરમાં જ નગરસેવકોએ આપી હતી.
મુંબઈમાં ગયા રવિવારે ભાતસા બંધ પાસે આવેલા વીજ ઉત્પાદન કેન્દ્રમાં પાણી ભરાઈ ગયા હતા. તેથી મશીનરીમાં ટેક્નિકલ ખામી સર્જાઈ છે. સમારકામમાં લાંબો સમય જવાનો છે. તેથી મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસને ગયા અઠવાડિયામાં જ મુંબઈમાં 15 ટકા પાણી કાપ મૂકી દીધો હતો. જોકે નગરસેવકોએ આ પાણી કાપ 15 ટકા નહીં પણ મોટાભાગના વિસ્તારમાં 40 ટકા જેટલી હોવાની ફરિયાદ પ્રશાસનને કરી હતી.
મુંબઈગરાઓને ગરમીથી મળશે રાહત… મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આ તારીખ સુધી પડી શકે છે છૂટોછવાયો વરસાદ..
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈને લગભગ 50 ટકા પાણી રાજ્ય સરકાર અખત્યાર હેઠળના ભાતસા બંધમાંથી ઉપલબ્ધ કરવામાં આવે છે. અચાનક સર્જાયેલી ટેકનિકલ ખામીને કારણે 15 ટકા પાણી કાપ તો મૂકી દેવામાં આવ્યો છે. પરંતુ આ સમારકામ લાંબો સમય ચાલે એવી શક્યતા છે. તેથી પાણી પૂરર્વત થવાને હજી થોડા સમય લાગી શકે છે.
આ દરમિયાન પાલિકાએ વૈતરણામાંથી વધારાનું પાણી લેવાનું ચાલુ કરી દીધું છે. જોકે તેમાંથી માત્ર 700 એમએલડી (મિલિયન લિટર પર ડે) પાણી મળી રહ્યું છે. તેની સામે બઈને દરરોજ 3850 એમએલડી જેટલો પાણી પુરવઠો કરવામાં આવે છે, તેમાંથી મોટા ભાગનું પાણી ભાતસા બંધમાંથી મળતું હોવાથી વૈતરણામાંથી મળતું પાણી અપૂરતું છે. તેથી જયાં સુધી સમારકામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી મુંબઈગરાને ઓછું પાણી જ મળવાનું છે અને તે પણ હજી થોડા દિવસ આ હાલાકીનો સામનો કરવો પડવાનો છે.