ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 જુલાઈ, 2021
સોમવાર
મુંબઈ, થાણે સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં પડી રહેલા મુસળધાર વરસાદને પગલે મુંબઈને પાણી પૂરું પાડનારાં જળાશયોની સપાટીમાં પણ વધારો થયો છે. એક જ દિવસના વરસાદમાં જળાશયોની સપાટીમાં 9 ટકાનો વધારો થયો છે. સોમવારના સવારના સાતેય જળાશયમાં 4 લાખ 15 હજાર 175 મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટૉક હતો.
છેલ્લા ત્રણેક દિવસથી મુંબઈ સહિત રાજ્યના મોટા ભાગના જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. એમાં પણ ભારે વરસાદને પગલે મુંબઈમાં આવેલું તુલસી અને વિહાર તળાવ છલકાઈ ગયાં છે. હવે બાકીનાં જળાશયોમાં પણ વરસાદને પગલે મોટા પ્રમાણમાં નવા પાણીની આવક થઈ છે. સોમવારના સવારના સાતેય જળાશયોમાં કુલ 28.68 ટકા જેટલો પાણીનો સ્ટૉક હતો. ગયા વર્ષે આ જ સમયે સાતેય જળાશયોમાં 27.3 ટકા તો 2019ની સાલમાં આ જ સમયે જળાશયોમાં 51.37 ટકા જેટલો પાણીનો સ્ટૉક હતો.
આગામી પાંચ દિવસ મુંબઈ સહિત રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એથી જળાશયોમાં પણ સારો વરસાદ પડશે અને પાણીકાપનું સંકટ દૂર થશે એવો અંદાજો પાણીપુરવઠા ખાતાએ વ્યક્ત કર્યો છે.
સોમવાર સવાર સુધીમાં અપર વૈતરણામાં 155 મિલીમીટર, મોડક સાગરમાં 269.0 મિ.મી., તાનસામાં 293.0 મિ.મી., મિડલ વૈતરણામાં 306 મિ.મી. ભાતસામાં 201 મિ.મી., વિહારમાં 69 મિ.મી. અને તુલસીમાં 142.0 મિ.મી. જેટલો વરસાદ પડ્યો હતો.