ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,19 જુલાઈ 2021
સોમવાર.
મુંબઈ સહિત થાણે અને નવી મુંબઈમાં પણ મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદે કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા, તેમાં નવી મુંબઈની APMC માર્કેટને પણ વરસાદની અસર થઈ હતી. માર્કેટમાં અનેક ગલીઓમાં પાણી ભરાઈ ગયા હતા. જોકે દાદરની હિંદમાતામાં દુકાનોમાં જે રીતે પાણી ઘૂસી ગયા હતા અને વેપારીઓને નુકસાન થયું હતું, તે મુજબનું નુકસાન APMC માર્કેટમાં નહોતું થયું. પરંતુ ભારે વરસાદને પગલે બજાર ગ્રાહકો વગર ખાલીખમ જણાઈ આવી હતી.
શનિવારથી સતત પડી રહેલા વરસાદને કારણે મુંબઈ, થાણે, નવી મુંબઈ, પાલઘર સહિત રાજયના અનેક વિસ્તારમાં જનજીવન ખોરવાઈ ગયું છે. મુંબઈમાં રહેલા ભારે વરસાદને કારણે રસ્તા પર અનેક ઠેકાણે પાણી ભરાયા હતા. જેની અસર નવી મુંબઈની APMC માર્કેટને પણ થઈ હતી. રેલવે અને રોડ સેવા ખોરવાઈ જવાને કારણે વેપારીઓ અને કર્મચારીઓ પોતાની દુકોનોમાં પહોંચી શકયા નહોતા. તો મોટાભાગના ગ્રાહકોએ પણ ભારે વરસાદે પગલે ખરીદી માટે બહાર નહીં નીકળતા ઘરે જ રહેવાનું મુનાસિબ માન્યું હતું. તેથી બજાર ખાલીખમ જણાઈ આવી હતી.
બોમ્બે મૂડીબજાર કરિયાણા મર્ચન્ટ્સ અસોસિયેશનના ભૂતપૂર્વ ચેરમેન અમરીશ બારોટે ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યું હતું કે, સવારથી જ ભારે વરસાદ રહ્યો હતો. તેને કારણે બજારની અમુક ગલીઓમાં પાણી ભરાયા હતા. જોકે સદનસીબે હંમેશા મુજબ ઘૂંટણભેર પાણી ભરાયા નહોતા. તેથી દુકાનોમાં પાણી ઘૂસ્યા ન હોવાથી વેપારીઓને કંઈ નુકસાન થયું નહોતું. જોકે ટ્રેન બંધ હોવાથી તેમ જ ટ્રાફિક સેવાને અસર પહોંચી હોવાથી નવી મુંબઈની બહાર રહેતા વેપારી, કર્મચારી બજારમાં પહોંચી શકયા નહોતા. જોકે બપોર બાદ વરસાદનું જોર વધી ગયું તો બજારમાં મોટા પ્રમાણમાં પાણી ભરાવાની શકયતા નકારી ના શકાય.