ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ફેબ્રુઆરી 2022
શનિવાર.
મુંબઈ મેટ્રોના ઠેર ઠેર ચાલી રહેલા કામને કારણે ટ્રાફિકની સમસ્યા તો સર્જાઈ રહી છે પણ તેને મેટ્રોના ખોદકામને કારણે પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડવાની સમસ્યા વધી ગઈ છે. તેને કારણે પાણી પુરવઠો પણ સતત ખોરવાતો રહ્યો છે. પશ્ચિમ ઉપનગરમાં દહીસર અને બોરીવલીમાં બે દિવસ અહીં મોટાભાગના વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે,
દહીસર અને બોરીવલીમાં કાયમ નાગરિકો ઓછું પાણી મળતું હોવાની ફરિયાદ કરતા હોય છે, તેમા પાછું હાઈવે પર મેટ્રો રેલના કામ ચાલી રહ્યા છે. તેને કારણે ત્યાં સતત ખોદકામ થતું હોય છે. તેમાં અનેક વખત પાણીની પાઈપલાઈન પણ ફૂટી જતી હોય છે. થોડા સમય પહેલા જ અહીં પાણીની પાઈપ લાઈન ફૂટી ગઈ હતી. હવે ફરી શુક્રવારે આર-ઉત્તર વોર્ડમાં વેસ્ટર્ન એક્સપ્રેસ પર ગોકુલ આનંદ હોટલ પાસે માઉલી હોસ્પિટલ પાછળ શુક્રવારે 750 મિલીમીટર વ્યાસની પાઈપલાઈનમાં મેટ્રોના કામને કારણે ભંગાણ પડયું હતું.
આર-ઉત્તર વોર્ડના અધિકારીના જણાવ્યા મુજબ શુક્રવારે પાઈપલાઈન ફૂટી જતા બોરીવલી અને દહિસરના પાણી પુરવઠાને અસર થઈ છે. યુદ્ધના ધોરણે સમારકામ હાથમાં લેવામાં આવ્યું છે. જે આજે સાંજ સુધીમાં પૂરું થઈ જશે અને મોડી સાંજથી પાણી પુરવઠો પૂર્વવત થાય એવી શક્યતા છે.