ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 17 ફેબ્રુઆરી 2022,
ગુરુવાર,
મુંબઈની નવી મુંબઈ વચ્ચેનો પ્રવાસ હજી ટૂંકો થવાનો છે. આજથી બેલાપુરથી ભાઉચા ધક્કા વચ્ચે વોટર ટૅકસી સેવા શરૂ થઈ રહી છે, જેનું ઉદ્ઘાટન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના શુભ હસ્તે કરવામાં આવવાનું છે.
લગભગ એક દાયકા પહેલા નવી મુંબઈ અને મુંબઈ વચ્ચે વોટર ટેક્સી દોડવવાની યોજના બનાવી છે, તે છેક આજે તે શરૂ થઈ રહી છે. ચાર ઓપરેટરમાંથી બે ઓપરેટરથી આજથી વોટર ટેક્સી દોડાવશે.
નવી મુંબઈમાં બેલાપુર જેટીનું કામ કરાવવામાં ખાસ્સો મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પર્યાવરણ વિભાગની મંજૂરી મળ્યા બાદ જાન્યુઆરી 2019માં જેટી પર કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ જેટીના નિર્માણ માટે કેન્દ્ર સરકાર દ્વારા 50% અને રાજ્ય સરકાર દ્વારા 50% મળીને કુલ રૂ. 8.37 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
આ જેટી એલ પ્રકારની છે. તેની લંબાઈ 71×10 અને વોટર જેટી 55×10 હશે. આ સ્થળે પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવી છે. આ જેટીના કારણે નવી મુંબઈ આવતા પ્રવાસીઓને પેસેન્જર બોટ અને વોટર ટેક્સીની સેવાઓ પૂરી પાડવામાં આવશે. બેલાપુરથી 10 થી 30 મુસાફરોની ક્ષમતાવાળી 8 સ્પીડ બોટ અને 56 મુસાફરોની ક્ષમતાવાળી કેટામરન બોટ દ્વારા વોટર ટેક્સી સેવા શરૂ કરવામાં આવશે.
બેલાપુરથી ભાઉચા ધક્કા સુધી 30 મિનિટ અને કેટામરન બોટ દ્વારા 45 થી 50 મિનિટ લાગશે. સ્પીડ બોટનું ભાડું 800 રૂપિયાથી લઈને 1200 રૂપિયા પ્રતિ પેસેન્જર હશે અને કેટામરન બોટનું ભાડું 290 પ્રતિ પેસેન્જર હશે.
બેલાપુરથી ભાઉચા ધક્કા સાથે એલિફન્ટા અને જેએનપીટી રૂટ પર પણ જળ પરિવહન સેવા શરૂ કરવામાં આવશે. આ જળમાર્ગથી નવી મુંબઈ આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે. નવી મુંબઈમાં નવા એરપોર્ટ માટે કનેક્શન પણ હશે.